Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં સ્ત્રી-પુરુષ સંબંધોની જટિલતા વધી રહી છે. હજારો પાત્રો એવા હોય છે, જેઓ પરણિત હોવા છતાં મૈત્રીકરારના બંધનથી એકમેક સાથે બંધાયેલા હોય છે. આ ‘કરાર’ આધારિત સંબંધ પુરુષ અને સ્ત્રીને ‘સુખ’ જ આપે એવી કોઈ ખાતરી હોતી નથી કારણ કે, કોઈ પણ પ્રકારનો સંબંધ આખરે તો બંને પાત્રની સમજણ, માનસિકતા અને ઉછેર જેવી ઘણી બાબતો પર આધારિત હોય છે. જામનગરમાં પણ આવો એક બનાવ બન્યો છે. મૈત્રીકરારથી સાથે રહેતું એક યુગલ એટલી હદે ઝઘડી પડ્યું કે, મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો.
જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ થઈ છે. રણજિતસાગર રોડ પર નંદનવન પાર્ક શેરી નંબર 7 માં નંદેશ્વર મહાદેવ મંદિર સામે રહેતી રિદ્ધિબેન રામદેવસિંહ સોઢા નામની 30 વર્ષની એક મહિલાએ આ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આ મહિલા હાલ પતિ રામદેવસિંહ સોઢા સાથે રહેતી નથી. આ મહિલા પારસગીરી રમેશગીરી ગોસ્વામી સાથે મૈત્રીકરારથી જોડાયેલી છે.
પારસગીરી નામનો આ શખ્સ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે નગરના નાકે વસવાટ કરે છે. પારસ અને રિદ્ધિબેન મૈત્રીકરારના આધારે સહજિવન જીવી રહ્યા હતાં તે દરમ્યાન ગઈકાલે રવિવારે સાંજે સાતેક વાગ્યા આસપાસ પારસ અને રિદ્ધિ એકમેકની હળવી મશ્કરી કરી રહ્યા હતાં તે દરમ્યાન કોઈ કારણસર પારસ એકદમ ઉશ્કેરાઈ ગયો અને તેણે રિદ્ધિબેન પર ખુરશીનો ઘા કર્યો. જેથી રિદ્ધિબેનને ડાબા હાથ પર ઈજાઓ થઈ છે. આ ઉપરાંત રિદ્ધિબેને ફરિયાદમાં એમ જાહેર કર્યું છે કે, પારસે તેણીને જાનથી મારી નાંખવાની ધમકી પણ રવિવારે સાંજે આપી હતી. દરમ્યાન, પારસ ક્યાંક નાસી ગયો હોય પોલીસ તેને શોધી રહી છે.





