Mysamachar.in:અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ખાનગી શાળાઓની ફી નું ઉંચુ ધોરણ અને ઉંચી ફી વસૂલવા માટે આ ખાનગી શાળાઓ દ્વારા કાગળ પર દેખાડવામાં આવતા ખર્ચ, હંમેશા ચર્ચાઓ અને શંકાઓનો વિષય રહ્યો છે, દરમિયાન આ મામલો વડી અદાલતમાં પણ પહોંચ્યો છે. જ્યાં હાલ સરકાર અપીલમાં ગઈ છે.
રાજ્યની જુદીજુદી ખાનગી શાળાઓએ હાઈકોર્ટમાં ઢગલાબંધ રિટ અરજીઓ કરી હતી. જેતે સમયે ખાનગી શાળાઓની ફી તથા ખર્ચ અંગે FRC એ પોતાનો નિર્ણય જાહેર કરેલો. બાદમાં આ નિર્ણય સામે ખાનગી શાળાઓ વડી અદાલતમાં જતાં અદાલતે FRC નો નિર્ણય રદ્દ કર્યો હતો. સિંગલ જજ દ્વારા આ ચુકાદો સંભળાવવામાં આવેલો.
વર્ષ 2022 માં જસ્ટિસ ભાર્ગવ કારીયાએ બહુ મહત્ત્વનો ચુકાદો આપતાં કહ્યું હતું કે, FRC ખાનગી શાળાઓના સંબંધિત ખર્ચાઓ યોગ્ય કારણ વિના નકારી શકે નહીં. હાઈકોર્ટે ખાનગી શાળાઓને એડમિશન ફી, સત્ર ફી, કરીકયુલમ ફી અને ટયૂશન ફી તેમજ વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધાઓ બાબતે ફી વસૂલવા મંજૂરી આપી હતી. હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યમાં ખાનગી શાળાઓ નફાખોરી કરી શકશે નહીં કે, અતિશય વધારે પડતી ફી વસૂલી શકશે નહીં.
અદાલતે વધુમાં કહ્યું હતું કે, ફી અને રાજ્યની વિવિધ ખાનગી શાળાઓની લીઝ, રેન્ટ, લોન પરનું વ્યાજ તથા અન્ય સંબંધિત ખર્ચાઓના મુદ્દા નિર્ણીત કરતી વખતે FRC એ આ બધી બાબતો ધ્યાન પર લેવાની રહેશે. તે સમયે FRC એ ફી તથા ખર્ચાઓ સંબંધે લીધેલાં નિર્ણયો અદાલતે રદ્દબાતલ ઠરાવ્યા હતાં. અને કમિટીને 12 સપ્તાહમાં નિર્ણય કરવા તાકીદ કરી હતી.
સીંગલ જજના આ ચુકાદાથી નારાજ રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી અપીલો દાખલ કરવામાં આવી છે. અને અપીલમાં જણાવાયું છે કે, સરકારના નીતિવિષયક નિર્ણયમાં સીંગલ જજ દ્વારા કરવામાં આવેલા હસ્તક્ષેપમાં હાઈકોર્ટની ખંડપીઠની દરમ્યાનગીરી જરૂરી બને છે કારણ કે, આ વિશાળ જનહિતનો અને હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંકળાયેલો પ્રશ્ન છે. વધુમાં, સીંગલ જજ દ્વારા FRC પર લગાવાયેલા અંકુશ અને FRC માટે અદાલત દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાને પણ આ અપીલમાં પડકારવામાં આવી છે.
(તસ્વીર ફાઈલ છે)