Mysamachar.in-અમદાવાદ:
સાયબર ક્રાઈમ વિષય આમ જૂઓ તો નવો છે કેમ કે, પાછલાં થોડાં વર્ષથી જ આ ગુનાઓ જાણમાં આવી રહ્યા છે પરંતુ આ ગુનાઓ ઓનલાઈન હોવાથી તેનો વ્યાપ ખૂબ જ વધી ગયો છે, શહેરો તો ઠીક ગામડે ગામડે પણ સાયબર ગુનાઓ ગાજી રહ્યા છે. ફરિયાદોનો ધોધ વધી રહ્યો છે. અધિકારીઓ ચિક્કાર પ્રચાર પણ કરી રહ્યા છે. બીજી તરફ હકીકત એ છે કે, આ બાબતે તંત્રની સક્રિયતા અને સફળતા પ્રમાણમાં સાવ ઓછી છે અને ફરિયાદીની તકલીફોનો પાર નથી. આ ઉપરાંત પ્લાન્ટ કરેલી ફરિયાદોની સંભાવનાઓ પણ લોકોમાં ચર્ચાઈ રહી છે.
આ સ્થિતિમાં એ પણ હકીકત છે કે, જો તમારી સાથે ઓનલાઈન ઠગાઈ થઈ અને તમારૂં બેંક એકાઉન્ટ ફ્રીઝ થયું, તો આ એકાઉન્ટ અનફ્રીઝ કરાવવામાં તમને નાકે દમ આવી જાય. તમારાં નાણાંકીય વ્યવહાર લાંબા સમય સુધી આ ફ્રીઝ એકાઉન્ટને કારણે ગોટે ચડી જાય. સમગ્ર રાજ્યમાં આ સમસ્યાઓ ઘાટી બની ગઈ છે. ફરિયાદી પરેશાન થઈ જાય છે.
સાયબર ક્રાઈમ બ્રાંચ મોટી રકમની ઓનલાઈન ઠગાઈના કિસ્સાઓ પર વધુ ધ્યાન આપે જેને પરિણામે આવા વગદાર લોકોના બેંક એકાઉન્ટ ફ્રીઝમાંથી અનફ્રીઝ આસાનીથી થઈ જાય પરંતુ ફરિયાદી જો નાનો માણસ હોય અથવા ઓનલાઈન ઠગાઈની રકમ નાની હોય તો, તેવા કેસમાં બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવામાં લોકોને ખૂબ જ હાલાકીઓ વેઠવી પડે છે. આ અંગે રાજ્યકક્ષાએ માંગ ઉઠી છે કે, કોર્ટ-પોલીસ અને બેંક અધિકારીઓએ આ દિશામાં ધ્યાન આપવાની આવશ્યકતા છે.
સામાન્ય રીતે સાયબર ક્રાઈમ હેલ્પલાઇનમાં ફરિયાદ બાદ બેંક એકાઉન્ટ ફ્રીઝ થાય અને ટોકન જનરેટ થયા પછી તેણે સ્થાનિક પોલીસનો સંપર્ક કરવાનો રહે. પોલીસ સ્ટેશનમાં સાયબર ડેસ્ક પર બેઠેલાં જાણકારો ભોગ બનનારને પૂછતાં હોય છે કે, ફરિયાદ દાખલ કરાવવી છે કે અમે અમારી રીતે આગળ વધીએ ? અને, બેંકને મેઈલ કરી દઈએ. જો ફરિયાદ કરશો તો, રૂપિયા પરત મેળવવામાં લાંબો સમય લાગી શકે છે.
આ ઉપરાંત પોલીસ એમ પણ કહેતી હોય છે કે, ફરિયાદને બદલે જો અમે સીધો જ બેંકને મેઈલ કરીશું તો રૂપિયા ઝડપથી પરત મળવા સંભવ છે. આથી ભોગ બનનાર ફરિયાદ દાખલ કરવાનું ટાળતા હોય છે. પછી, આ ભોગ બનનાર બેંક અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા મજબૂર બને છે, પોલીસ કહી દે છે કે, અમે તો બેંકને મેઈલ મોકલાવી દીધો છે. બેંક ભોગ બનનારને જવાબ આપતી હોતી નથી. જો ભોગ બનનાર થોડો ઘણો હોંશિયાર કે વગદાર હોય તો, પોલીસ એમ કહેતી હોય છે કે, મુદ્દામાલ પરત મેળવવા કોર્ટમાં અરજી કરવી પડશે. આમ મામલો સ્થાનિક અદાલતમાં પણ પહોંચે છે.
ત્યારબાદના તબકકામાં અદાલત સંબંધિત પોલીસનો સંપર્ક કરે છે અને મુદ્દામાલ પરત આપવા અંગે પૂછાણ કરે છે. બાદમાં પોલીસ પોતાનો અભિપ્રાય રિપોર્ટ આપે છે, જેના આધારે અદાલત બેંકને હુકમ કરે છે કે, અરજદારનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવામાં આવે. તેને તેનાં નાણાં આપવામાં આવે.
પ્રોસિજર મુજબ આ અદાલતી હુકમની અસલ નકલ પોલીસ સ્ટેશનમાં જમા થઈ જાય પછી પોલીસ સંબંધિત બેંકને મેઈલ કરે. અદાલતી હુકમ અંગે જાણ કરે. જો કે મોટાભાગના નાના કેસમાં બેંક, પોલીસના આ મેઈલ બાબતે ઉદાસીનતા દાખવતી હોય છે. બાદમાં, થાકેલો ભોગ બનનાર પોલીસને સાથે લઈ બેંકમાં જતો હોય છે. તો ઘણાં કિસ્સાઓમાં બેંક એમ કહી દેતી હોય છે કે, મુદ્દામાલ સંબંધિત અદાલતના હુકમ અંગેનો પોલીસ મેઈલ અમને મળેલ જ નથી. આથી પોલીસ તથા ભોગ બનનાર બેંકમાંથી પરત નીકળી જતાં હોય છે !
ખરેખર તો ભોગ બનનારની આવી હાલાકીઓ દૂર કરવા સરકારે બેંકો માટે એડવાઈઝરી જાહેર કરવી જોઈએ કે, પોલીસ તરફથી બેંકને અદાલત સંબંધિત જે મેઈલ મળે તેનું બેંકોએ તાકીદે પાલન કરવું, અને જો બેંક આમ કરવામાં વિલંબ કરે અથવા નિષ્ફળ રહે તો, પોલીસ આ માટે બેંકોને ફરજ પાડી શકે, કસૂરવાર બેંક વિરુદ્ધ આ સંબંધે કાર્યવાહીઓ કરી શકે તેવી વ્યવસ્થાઓ આ એડવાઈઝરીમાં હોવી જોઈએ, એવી રાજ્યવ્યાપી માંગ ઉઠવા પામી છે, કેમ કે બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા બાબતે હજારો ભોગ બનનાર લોકો પરેશાન થઈ રહ્યા છે. ફરિયાદીનો વાંક શું ?? આ પ્રશ્ન હાલ સંવેદનશીલ બની ગયો છે.