Mysamachar.in-અમદાવાદ:
હિન્દી ફિલ્મ ‘સતે પે સતા’ માં બચ્ચનનો આ ડાયલોગ ફેમસ થયેલો કે, ‘દારૂ પીને સે લિવર ખરાબ હો જાતા હૈ..’ ગુજરાતીઓના લિવર અંગે એક રિપોર્ટમાં આંકડા જાહેર થયા છે. રિપોર્ટનું નામ છે હેલ્થ ઓફ ધ નેશન 2025. ગુજરાતમાં કેલેરીથી ભરપૂર ખોરાક લેવાની મોટાભાગના લોકોની લાઈફ સ્ટાઈલ છે. જેને કારણે ઘણાં લોકોના લિવર ફેટી થઈ જાય છે એટલે કે, લિવર પર ચરબીના થર ચડી જાય છે. લિવરમાં ચરબી જામી જવી એક બિમારી છે. રાજ્યમાં 40 થી વધુ વયના લોકો પૈકી 40 ટકા લોકો એવા છે જેમના લિવર ‘જાડીયા’ થઈ જાય છે.
વધુ પડતું જંક ફૂડ લેવું. પ્રોસેસ થયેલું ફૂડ મોટાં પ્રમાણમાં આરોગવું- વગેરે કારણોસર લોકોના લિવર ફેટી બની રહ્યા છે. સમગ્ર દેશમાં અલગઅલગ વયજૂથના 65 ટકા લોકોમાં આ ફરિયાદ છે. જે પૈકી 52 ટકા લોકો એવા છે જેઓ આલ્કોહોલ લેતાં નથી. ઘણાં કિસ્સાઓમાં મેદસ્વિતા, કોલેસ્ટ્રોલ અને ડાયાબીટીસ જેવા કારણોથી ફેટીલિવરની સમસ્યાઓ થઈ રહી છે. આ બિમારીમાં જો ધ્યાન આપવામાં ન આવે તો લિવર ફેઈલ થઈ જાય અથવા કેન્સર પણ થઈ શકે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, લિવર ટ્રાન્સપ્લાન્ટના કિસ્સાઓમાં પણ ફેટીલિવરને કારણે દર 3 માંથી 1 ટ્રાન્સપ્લાન્ટ નિષ્ફળ રહે છે.
