Mysamachar.in-ગાંધીનગર:
લોકોના ખિસ્સામાંથી જુદાજુદા કરવેરા વગેરે સ્વરૂપમાં અબજો રૂપિયા સરકારની તિજોરીમાં રોજેરોજ જાય છે, પછી આ રૂપિયાનો ‘હિસાબ’ શું હોય છે, તેમાંથી કેટલાં નાણાં ક્યાં ખર્ચ થઈ રહ્યા છે- એ હિસાબમાં અનેક પ્રકારની ઘાલમેલ હોય છે, સરકારી નાણાંની ઉચાપત પણ થતી હોય છે. આ બધી જ બાબતોનો CAG (comptroller and auditor general) દ્વારા અભ્યાસ થાય છે. આ રિપોર્ટની વિગતો જાણવા જેવી હોય છે.
હાલમાં 8 થી 10 સપ્ટેમ્બર દરમ્યાન 3 દિવસ માટે વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાયું. સત્રના આખરી દિવસે વિધાનસભામાં CAG રિપોર્ટ જાહેર થયો. આ રિપોર્ટ કહે છે: સરકાર જુદા જુદા વિભાગોને વર્ષ દરમ્યાન જે નાણાં ખર્ચ કરવા આપે છે તેના ઉપયોગ અંગેના સર્ટિફિકેટ જેતે વિભાગના વડા IAS અધિકારીઓએ સરકારમાં જમા કરાવવાના હોય છે. આવા 4,745 સર્ટિફિકેટ જમા ન કરાવીને અધિકારીઓએ કુલ રૂ. 11,869 કરોડની રકમનું ‘કલ્યાણ’ કરી નાંખ્યુ. આ રકમો પૈકી અમુક રકમ કોઈ ‘જમી’ પણ ગયું હોય શકે. તે જો કે તપાસનો વિષય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, દર વર્ષે CAG દ્વારા કંગાળ નાણાંકીય સંચાલન બદલ અધિકારીઓને ઠપકા આપવામાં આવતાં હોય છે કે ટકોર પણ કરવામાં આવતી હોય છે પણ અધિકારીઓ આ ઠપકા બઠીયા કાન કરી, મૂંગા મોંએ સાંભળી, જે કરતાં હોય એ કર્યે રાખતા હોય છે. કારણ કે કોઈને કશી સજા તો થતી નથી.
અત્રે એ પણ નોંધપાત્ર બાબત છે કે, વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ એટલે કે ચૂંટાયેલા નેતાઓએ આ નાણાંકીય સંચાલનની સમીક્ષાઓ કરવાની હોય છે, સંબંધિત વિભાગો અને અધિકારીઓને ખુલાસા પૂછવાના હોય છે. પરંતુ આ ધારાસભ્યો અધિકારીઓને આ બાબતે કશું પૂછતા નથી. આથી કરોડો રૂપિયાના આવા ‘ખેલ’ કાયમ માટે ચાલતા રહેતા હોય છે.
-શ્રમિક કલ્યાણ અંગે આ વિગતો રિપોર્ટમાં બહાર આવી..
CAG રિપોર્ટ કહે છે: રાજ્યના બાંધકામ અને અન્ય ક્ષેત્રના શ્રમિકોના કલ્યાણ માટે સરકારની તિજોરીમાં સેસ પેટે રૂ. 4,787 કરોડ રૂપિયા જે જમા થયેલાં હતાં, તે પૈકી રૂ. 2,242 કરોડ સરકારના ખાતામાં એમ જ પડ્યા રહ્યા. આ નાણાં શ્રમિકોના કલ્યાણ માટે ખર્ચ કરવામાં આવ્યા નથી.
