સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જુદાંજુદાં કારણોસર ગુનાખોરી આગળ વધી રહી છે, હવે તો આ પ્રકારના અસામાજિક કૃત્યો શૈક્ષણિક સંસ્થાઓની અંદર અને સંસ્થાઓના આંગણામાં થઈ રહ્યા હોય, શાંત ગુજરાત ઝડપથી બિહાર અને ઉત્તરપ્રદેશ માફક લોહિયાળ બની રહ્યું છે. આવો વધુ એક બનાવ, અમદાવાદ પછી હવે ભૂજમાં બનતાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં સનસનાટી મચી ગઈ છે. જેમાં એક કોલેજ ગર્લનો ભોગ લેવાઈ ગયો છે.
આ કમનસીબ કથનીની બહાર આવેલી વિગતો એવી છે કે, ભૂજ અને આદિપુરની શાળાઓમાં છાત્રો વચ્ચે સર્જાયેલી હિંસા અને આદિપુરમાં કોલેજના આચાર્ય પર એક છાત્ર દ્વારા હુમલાની ઘટનાઓની કાળી ખબરો વચ્ચે વધુ એક ગમગીન સમાચાર ભૂજથી બહાર આવ્યા, જેમાં એક કોલેજ ગર્લ પરનો સશસ્ત્ર હુમલો અંતે હત્યાના બનાવમાં પલટાઈ ગયો !
ગુરૂવારે સાંજે ભૂજના એરપોર્ટ રિંગરોડ પર આવેલી સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી એક યુવતિ પર એક શખ્સે છરી વડે કરપીણ હુમલો કરી દીધો હતો. આ બનાવે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં સનસનાટી સર્જી દીધી હતી, આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ બનાવના સ્થળે તથા હોસ્પિટલ દોડી ગઈ હતી.
ગુરૂવારે કોલેજના સંચાલક કિરીટ કારિયાના જણાવ્યા અનુસાર, મૂળ ગાંધીધામની અને ભૂજની ભાનુશાળી હોસ્ટેલમાં રહેતી યુવતી કોલેજમાં બીસીએના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે. કોલેજ પૂર્ણ થયા બાદ આ છાત્રા શૈક્ષણિક સંકુલ બહાર નીકળી એપ્રોચ રોડ સુધી પહોંચી ન હતી ત્યાં જ બે યુવકો તેણી નજીક ધસી આવ્યા હતાં અને એક યુવકે તેણીના ગળાના ભાગે હુમલો કર્યો હતો.
આ સમયે કોઈ રાહદારીએ આ યુવતિ કોલેજની છાત્રા હોય શકે એમ અનુમાન કરી કોલેજને જાણ કરી. અમે ખાનગી વાહન મારફતે તેણીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયેલા એમ પણ સંચાલકે કહ્યું. બીજી તરફ હોસ્પિટલ પહોંચેલા કોલેજના HoD ચિંતન રાવલે એમ કહેલું કે, છાત્રાની હાલત ગંભીર છે અને ઓપરેશન ચાલુ છે. દરમ્યાન આજે સવારે બહાર આવેલી માહિતીઓ અનુસાર આ ઈજાગ્રસ્ત છાત્રાનું મોત થતાં હુમલાનો આ બનાવ હત્યાનો બનાવ બની ગયો છે. આ પ્રકારના સમાચારોને કારણે રાજ્યમાં લાખો વાલીઓ ચિંતિત છે. અત્રે ઉલ્લેખનિય છે કે, શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ ડ્રગ્સ સહિતના અનેક દૂષણો અંગે આખા રાજ્યમાં ઉહાપોહ છતાં આ સંસ્થાઓ આસપાસ જોઈએ તેટલી તકેદારીઓ કયાંય લેવાતી ન હોવાની હાલત પણ જાણીતી છે.