Mysamachar.in:જામનગર
જામનગર પંથકમાં મહાકાય રીફાઈનરીઓમાંથી ગેસ, પેટ્રોલ અને ડીઝલ સહિતના કેમિકલો ભરાય અને અન્ય રાજ્યોમાં રવાના થાય ત્યારે ચોક્કસ કાવતરાના ભાગરૂપે તેમાંથી જામનગર સહીત રાજ્યના કોઈપણ હાઈવે પર તેમાંથી ચોરીના કૌભાંડ અવારનવાર સામે આવતા રહે છે. ગત સપ્તાહે જામનગર એસઓજીએ જામનગર રાજકોટ હાઈવે પરથી ગેસ ટેન્કરમાંથી ગેસ રીફીલીંગ કૌભાંડ ઝડપી અડધા કરોડથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો જે બાદ ગતરોજ એસઓજીએ પેટ્રોલ અને ડીઝલ ભરેલ ટેન્કરના સીલ તોડી તેમાંથી પેટ્રોલ ડીઝલનું ગેરકાયદેસર વેચાણ ઝડપી પાડ્યું છે. આ અંગેની જાહેર થયેલ વિગતો એવી છે કે,
જામનગર એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેકટર બી.એન ચૌધરીની સૂચના મુજબ પોલીસ સબ ઈન્સપેકટર જે.ડી.પરમાર સાથે એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન એસ.ઓ.જી.સ્ટાફના વિરેન્દ્રસિંહ જાડેજા તથા ચંન્દ્રસિંહ જાડેજા તથા અનિરૂધ્ધસિંહ ઝાલાને બાતમી મળેલ કે, જામનગર-દ્વારકા હાઈવે રોડ ઉપર કિશાન ઓઈલ મીલના બોર્ડની બાજુમા આવેલ પતરાના શેડ પાસે અમુક ઈસમો ગેરકાયદેસર રીતે પેટ્રોલ-ડિઝલ ભરેલા ટેન્કરના વાલ્વ બોક્ષનુ સીલ તોડી તેમાંથી પેટ્રોલ ડિઝલ કાઢી તેનુ ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે,
જે હકિકત આધારે તે સ્થળે રેઈડ કરતા ત્યાંથી બે ઈસમો અજયસિંહ રાજેંદ્રસિંહ ભાટી અને કેતન ચંદુભાઈ ચાવડાને માણસોની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ગેરકાયદેસર રીતે પેટ્રોલ ડિઝલ ભરેલ ટેન્કરમાંથી પેટ્રોલ ડિઝલ કાઢતા હોય અને આ જગ્યાએથી પેટ્રોલ ડિઝલ ભરેલ કુલ-08 કેરબા, પેટ્રોલ ડિઝલ ભરેલ બે ટેન્કર, તથા અન્ય સાધનો મળી કુલ કિ.રૂ.69,06,432.73/- ના મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જેથી આ આરોપીઓ વિરૂધ્ધ મેઘપર (પડાણા) પો.સ્ટે. માં ગુનો દાખલ કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે. જયારે આ ગુન્હામાં અજીતસિંહ જાડેજા રહે.જાખર ગામને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરાઈ છે.