Mysamachar.in-સુરત:
રાજકોટમાંથી ટ્રાંસજેન્ડરને ઓળખકાર્ડ મળ્યા બાદ ટ્રાંસજન્ડરોને વધુ સારૂ સ્થાન તેમજ અસ્તિત્વ મળી રહે એવા પ્રયાસોને વેગ મળી રહ્યો છે. મહાનગર સુરતમાંથી એક યુવાન સંદીપે અલીશા બનવાનું નક્કી કર્યું છે. જોકે, આ વાત સાંભળતા તે ઝડપથી ગળે ઊતરે એમ નથી. પણ હકીકત છે કે, છેલ્લા 30 વર્ષથી આંતરિક અશાંતિથી પીડાતા સંદીપને રાજ્ય સરકાર તરફથી ટ્રાંસ વુમન તરીકેનું પ્રમાણપત્ર પણ મળી ચૂક્યું છે.
પરિવારજનો, મિત્રો આ યુવાનને સંદીપ તરીકે ઓળખતા પણ તે પોતે એક મહિલા હોવાની એને ફીલિંગ્સ આવતી હતી. સંદીપ ઓરિયન્ટલ થેરાપીમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. જ્યારે તે 12 વર્ષનો હતો ત્યારથી જ છોકરીઓને ગમતી વસ્તુઓ પસંદ પડવા લાગી હતી. અચાનક ગુલાબી રંગ પસંદ પડવા લાગ્યો હતો. કાર અને બાઈક્સને બદલે એને ઢીંગલી ગમવા લાગી હતી. એ સમયે એને ખ્યાલ આવી ગયો હતો કે, તે છોકરો નથી. એવી કંઈક તો વસ્તુ છે જે એને છોકરા કરતા જુદી પાડે છે. ડિપ્લોમાં એન્જિનીયરિંગ કર્યા બાદ માનસિક પીડાનો શિકાર થયેલા સંદીપે નિર્ણય કર્યો કે, તે જે અંદરથી છે એને તે સમાજ સામે આવશે. ત્યાર બાદ 39 વર્ષે એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લીધો. ત્રણ સર્જરી કરી તે સંદીપમાંથી અલિશા બન્યો. અલિશા પટેલને સુરત જિલ્લા ક્લેક્ટર તરફથી એક પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. જેથી તે રાજ્યની પ્રથમ ટ્રાંસ વુમન બની છે. જાતિ પરિવર્તનનું ઑપરેશન કર્યા બાદ આ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. એની આ નવી ઓળખને સરકાર તરફી પણ માન્યતા મળી ગઈ છે. જેના કારણે અલિશા ખુશ છે. રાજીપો વ્યક્ત કરે છે. એક મહિલા બનવા માટે તેણે રૂ.8 લાખનો ખર્ચો કર્યો છે.
નવા નિયમ જાહેર થયા બાદ સરકાર તરફથી ઓળખલક્ષી પ્રમાણપત્ર મેળવનાર તે રાજ્યની પ્રથમ ટ્રાંસ વુમન છે. તેમણે એવું પણ જણાવ્યું કે, હવે હું આત્મવિશ્વાસ સાથે લોકોને મારી ઓળખ આપું છું. મહિલા તરીકે કામ કરૂ છું. જે અગાઉ હું કરી શકતી ન હતી.12 વર્ષની હતી ત્યારે ખબર પડી કે, હું એક મહિલા છું. છોકરાઓ શાળા હાફ પેન્ટ પહેરીને આવતા પણ મને સ્કૂલ ડ્રેસમાં સ્કર્ટ ગમતું. પણ આ વાત હું વ્યક્ત કરી શકતી ન હતી. છ બહેનોમાં સૌથી નાની અલિશા પટેલે જણાવ્યું કે, બોડી લેંગ્વેજ, રૂચી તથા વાત કરવાની રીત એવું દર્શાવતી કે મોટી થઈને હું એક સ્ત્રી બનીશ.