Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરિયાકાંઠે મેગા ડીમોલીશનનો આજે બીજો રાઉન્ડ શરૂ થયો છે. આ ઓપરેશન મોટાપાયે શરૂ થયું છે, યોગાનુયોગ ખુદ મુખ્યમંત્રી આવતીકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવી રહ્યા છે. તેઓ યાત્રાધામ દ્વારકાની મુલાકાતે આવશે અને ડીમોલીશન યાત્રાધામ હર્ષદ નજીકનાં વિસ્તારોમાં આજે હાથ ધરવામાં આવ્યું છે.
થોડાં મહિનાઓ પહેલાં સ્થાનિક તંત્રોએ યાત્રાધામ બેટ દ્વારકામાં મેગા ડીમોલીશન હાથ ધરી દરિયાકાંઠો ચોખ્ખો કરી નાંખ્યો હતો. એ ઓપરેશન સંદર્ભે ખુદ વડાપ્રધાને મુખ્યમંત્રીને શાબાશી આપી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીનો ઉત્સાહ બેવડાયો છે અને આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અન્ય તાલુકા કલ્યાણપુરના વિવિધ પંથકમાં મેગા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. આજે બપોર સુધીમાં આ કામગીરીનો આરંભ થશે. અત્યારે વહીવટી અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ કલ્યાણપુર તાલુકામાં પહોંચી ગયા છે. સ્થળોનો અંતિમ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
અત્યંત આધારભૂત સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આ મેગા ઓપરેશન દરમિયાન આશરે 125 જેટલાં રહેણાંક મકાનો તોડી પાડવામાં આવશે. આ ઉપરાંત એમ પણ માનવામાં આવે છે કે, આ ઓપરેશન દરમિયાન અંદાજે 25 જેટલાં અથવા તેથી વધુ કોમર્શિયલ બાંધકામોને પણ જમીનદોસ્ત કરવામાં આવશે. સમગ્ર ઓપરેશન અંગે હાલ જો કે ગુપ્તતા જાળવવામાં આવી રહી છે. અને એમ માનવામાં આવે છે કે, આ આખો મામલો સંવેદનશીલ હોય, તંત્ર દ્વારા ખૂબ જ ચોકસાઈ અને ભારે બંદોબસ્ત હેઠળ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આજે સવારથી કલેકટર મુકેશ પંડ્યા અને એસપી નિતેશ પાંડેએ સંકલન ગોઠવી સમગ્ર કલ્યાણપુર પંથકમાં છેક હર્ષદ ગાંધવી સુધીનાં વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને વહીવટીતંત્રને લીલી ઝંડી મળતાં જ બપોરે મોડેથી મેગા ડીમોલીશન હાથ ધરવામાં આવશે એમ અત્યારની ગતિવિધિઓ પરથી સમજાઈ રહ્યું છે.
સ્થાનિક વર્તુળોના જણાવ્યા મુજબ, આજે સવારથી કલ્યાણપુર મામલતદાર દક્ષાબેન રીંડાણી, બે DySP સમીર સારડા તથા હાર્દિક પ્રજાપતિ ઉપરાંત હથિયારધારી પોલીસોનો વિશાળ કાફલો તેમજ સ્થાનિક વહીવટીતંત્રનાં અધિકારીઓ અને કર્મચારીઓની ટૂકડીઓ વગેરે સ્થળ પર હાજર છે અને જે બાંધકામો તોડી પાડવાના છે ત્યાં માર્કિંગ સહિતની કામગીરીઓ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસો પહેલાં કેટલાંક મિલકતધારકો દ્વારા આ મામલો હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. અને અદાલતે થોડાં સમય માટે રૂક જાવનો આદેશ આપ્યા પછી, આ આદેશ હટાવી લીધો હતો અને તંત્રોને ડીમોલીશન માટે મંજૂરી આપી દીધી હતી. ત્યારથી તંત્રો આ મેગા ડીમોલીશન માટેની તૈયારીઓ કરી રહ્યા હતાં. અને યોગાનુયોગ આવતીકાલે મુખ્યમંત્રી દ્વારકા આવી રહ્યા છે તેનાં 24 કલાક પહેલા આજે સવારથી તંત્રોએ અહી ઓપરેશન માટે તૈયારીઓ આદરી દીધી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, થોડાં કલાકો બાદ નાવદરા બંદર તથા હર્ષદ ગાંધવી વિસ્તારમાં જેસીબી સહિતની મશીનરી દ્વારા મોટાપાયે પાડતોડ હાથ ધરવામાં આવશે એમ જાણવા મળે છે. જો કે હાલ અધિકારીઓ આ ઓપરેશન અંગેની કોઈ જ વિગતો મીડિયા સમક્ષ મૂકી રહ્યા નથી અને સમગ્ર ઓપરેશન અત્યંત તકેદારીપૂર્વક આગળ વધશે એવું દેખાઈ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, બેટ દ્વારકા પંથકમાં પણ મેગા ડીમોલીશન સમયે અત્યંત તકેદારીઓ રાખવામાં આવેલી અને વ્યાપક પૂર્વ તૈયારીઓ પણ કરવામાં આવી હતી. અહીં પણ એ જ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.