Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દબાણહટાવ કામગીરી વધુ એક વખત ચર્ચામાં આવી છે. બેટદ્વારકાનાં દરિયાકિનારે થોડાં મહિનાઓ પહેલાં મોટાપાયે દબાણહટાવ ઓપરેશન થયેલું. અને ખુદ વડાપ્રધાને આ કામગીરી બદલ જામનગરમાં એક ચૂંટણીસભામાં મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા હતા. ત્યારબાદ હવે પછીની દબાણ હટાવ કામગીરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં હાથ ધરવા માટેનો માર્ગ મોકળો થયો છે.
કલ્યાણપુર તાલુકાના નાવદ્રા બંદર અને ગાંધવી વિસ્તારમાં દરિયાકિનારા નજીકનાં વિસ્તારોમાં સંખ્યાબંધ ગેરકાયદે બાંધકામો અસ્તિત્વ ધરાવે છે. આ બાંધકામો હટાવવા બાબતે થોડાં સમય પહેલાં જિલ્લા સત્તાવાળાઓ તથા સ્થાનિક મામલતદાર કચેરી દ્વારા હિલચાલ હાથ ધરવામાં આવી હતી. જો કે એ સમયે કેટલાંક દબાણકારો આ આખો મામલો હાઈકોર્ટમાં ઢસડી ગયા હતાં. ત્યારે હાઈકોર્ટે આ દબાણો દૂર કરવા સામે મનાઈહુકમ ફરમાવ્યો હતો તેથી થોડાં સમયથી આ કાર્યવાહી શરૂ થવા પામી ન હતી.
ત્યારબાદ દરિયાકિનારાના આ દબાણો હટાવવા રાજય સરકાર મક્કમ હોય, સરકારે આ મનાઈહુકમ હટાવવાની માગણી સાથે વડી અદાલતમાં સોગંદનામું રજૂ કર્યું હતું. આ સોગંદનામામાં સરકારે ગંભીર બાબતોનો સમાવેશ કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, નાવદ્રા બંદર અને ગાંધવી વિસ્તારમાં દરિયાકિનારે આવેલાં ગેરકાયદે બાંધકામો રાષ્ટ્રીય સુરક્ષા સામે સવાલો ખડાં કરી શકે એમ હોય, આ દબાણો હટાવવા આવશ્યક છે. સરકારે આ સોગંદનામામાં એમ પણ જણાવ્યું હતું કે, સુરક્ષા એજન્સીઓએ એવા ઇનપુટ્સ આપ્યા છે કે, ભૂતકાળમાં આ વિસ્તારમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ થયેલી છે.
આ વિસ્તારમાં દરિયાકિનારે આવેલાં ગેરકાયદે બાંધકામો ફરી એકવાર રાષ્ટ્રીય સુરક્ષા સામે સવાલો ખડાં કરી શકે એમ હોય, આ દબાણો હટાવવા જોઈએ. આ સોગંદનામામાં એવો પણ ઉલ્લેખ છે કે, આ દબાણો પૈકી મોટાભાગના દબાણો લઘુમતી સમાજના છે. તેઓએ રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી સાબિત કરવા સ્વૈચ્છિક રીતે આ દબાણો હટાવી લેવા જોઈએ. અને જો આ દબાણો સ્વૈચ્છિક રીતે હટાવવામાં ન આવે તો, આ અંગેનો મનાઈહુકમ અદાલતે હટાવવો જોઇએ એવી રજૂઆત સરકાર તરફથી વડી અદાલતમાં થયાં પછી વડી અદાલતે આ મનાઈહુકમ હટાવી લીધો છે.
હાઈકોર્ટમાં આ મનાઈહુકમ હટાવી લેવામાં આવતાં, ફરીથી કલ્યાણપુર તાલુકાની મામલતદાર કચેરીએ દરિયાકિનારાના આ દબાણો હટાવવા સંબંધે દબાણકર્તાઓને નોટિસ મોકલાવી દીધી હોય, આગામી ગણતરીના દિવસોમાં આ દબાણો હટાવવાની કામગીરી મોટાપાયે શરૂ થશે એમ માનવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ દરિયાકિનારા સહિતનો પોરબંદર જિલ્લાનો દરિયાકિનારો રાષ્ટ્રીય સુરક્ષા સંદર્ભમાં દાયકાઓથી સંવેદનશીલ લેખાતો રહ્યો છે. ભૂતકાળમાં આ સમગ્ર વિસ્તાર ચર્ચાસ્પદ રહ્યો છે. અને સમગ્ર રીતે જોઈએ તો પણ રાજ્ય સરકાર સૌરાષ્ટ્રનાં દરિયાકિનારા પ્રત્યે સંવેદનશીલ છે. કેમ કે, આ સમગ્ર વિસ્તાર પાકિસ્તાનની દરિયાઈ સરહદોથી દરિયાઈ માર્ગે એકદમ નજીક છે અને અત્યાર સુધીમાં હજારો વખત સૌરાષ્ટ્રનો દરિયાકિનારો રાષ્ટ્રવિરોધી તત્વો અને પ્રવૃતિઓ મુદ્દે વિવાદોમાં રહ્યો છે. અત્રે એ પણ નોંધનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાની માફક જામનગર અને કચ્છનો દરિયાકિનારો પણ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે કુખ્યાત રહ્યો છે.