Mysamachar.in-જામનગર:
જામનગર સહિતના રાજ્યના ઘણાં શહેરોમાં SGST અને CGST ની ચોરી કાયમથી મોટો વિષય રહ્યો છે, આમ છતાં ઘણાં બધાં કરચોરો દર વખતે દરોડાની કાર્યવાહીઓથી બચી જતાં હતાં- આ આખી મોડસ ઓપરેન્ડી દિલ્હીમાં બેઠેલાં ચકોર અધિકારીઓના ધ્યાન પર આવી ગઈ. આથી દરોડાનો લેટેસ્ટ દૌર સીધો જ દિલ્હીના અધિકારીની દેખરેખ હેઠળ શરૂ થયો.
અત્યંત આધારભૂત સૂત્રના જણાવ્યા અનુસાર, જામનગર ઉપરાંત રાજકોટ અને અમદાવાદમાં પણ દરોડા પડ્યા છે. આયાતી સ્ક્રેપના મોટા વેપારીઓ પરના આ દરોડા DGGI હસ્તક છે. આ દરોડાની કાર્યવાહીઓથી જામનગરના CGST અધિકારીઓ અને ગુજરાતના ચોક્કસ CGST અધિકારીઓને દૂર રાખવામાં આવ્યા છે- આ સૂચક બાબત છે.
સૂત્રના જણાવ્યા અનુસાર, જામનગર ઉપરાંત અમદાવાદના આયાતી સ્ક્રેપના આશરે દસેક જેટલાં વેપારીઓ પર દરોડાની કામગીરીઓ થઈ રહી છે, પ્રાથમિક તપાસમાં રૂ. 50 કરોડથી વધુની કરચોરી બહાર આવી છે. દરોડા સીધાં જ દિલ્હીથી અહીં સુધી આવ્યા હોય, ઘણાંની ઠંડી ઉડી જશે, એમ માનવામાં આવે છે.
આયાતી સ્ક્રેપ ઉપરાંત બેઝ ઓઈલ અને ગ્રીસ ઉત્પાદકો સહિતના કેટલાંક ઉદ્યોગકારો રાજકોટ સહિતના સેન્ટરમાં આ દરોડામાં હડફેટ આવી ગયા હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગોંડલના ભાજપાના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ભાઈની આશાપુરા એન્ટરપ્રાઈઝ પર દરોડા પડ્યા બાદ અને કેટલીક ધરપકડો થયા પછી, રાજ્યમાં બેઝ ઓઈલના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને ત્યાં પણ આ જ એજન્સી દરોડા આગળ વધારી રહી છે. ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ (DGGI) દ્વારા આ તમામ દરોડા નવી દિલ્હી ખાતેના પ્રિન્સીપલ ડાયરેક્ટર રાજેશ પાંડેની સીધી દોરવણી હેઠળ ચાલી રહ્યા હોવાનું વર્તુળો જણાવે છે.(symbolic image)