Mysamachar.in-જામનગર:
જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતી આમ તો કોઈ ને કોઈ મુદાઓ ને લઈને વિવાદોમા રહેવા માટે જાણીતી છે,છતાં પણ રાજકીય ઓથ મેળવી ઘરની પેઢીની જેમ ચાલી રહેલ સમિતિમાં કોઈનો વાળ પણ વાંકો થતો નથી,તે પણ વાસ્તવિકતા છે,
એવામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ જામનગર નગર પ્રાથમિક શિક્ષક સંઘની માન્યતાને વર્ષો બાદ એકાએક રદ કરતા આશ્ચર્યની સાથે આ મુદ્દો જામનગરના શિક્ષણજગતમા ચર્ચાનો વિષય પણ બન્યો છે.મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘને કોઇ માન્યતા આજદીન સુધી કચેરી દ્વારા આપી ન હોવાનું જણાવતાં સમિતિ અને સંઘ વચ્ચે આવનાર સમયમાં વિવાદ વકરે તેવી શકયતાઓ દર્શાવવામાં આવી રહી છે,સાથે જ પ્રાથમિક શિક્ષક સંઘની મીટીંગ સહીતની કામગીરી માટે મહાનગરપાલિકાની શાળા નં.૫૩ નો જે અત્યારસુધી ઉપયોગ થતો હતો તેના પર પણ સમિતિએ સંઘને પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે,
નવાઈ ની વાત તો એ પણ છે કે જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સંઘને વર્ષ ૨૦૧૧-૧૨ માં શિક્ષણ સમિતિ દ્વારા શરતી માન્યતા આપવામાં આવી હતી,જે બાદ વર્ષોના વ્હાણા વીતી ચુક્યા બાદ અચાનક સમિતિ દ્વારા શરતોનું પાલન ન થયાનું જણાવી સંઘની માન્યતા રદ કરવામાં આવી છે.ત્યારે સાત વર્ષ બાદ સમિતિને શરતોનું પાલન ન થયાનું એકાએક ધ્યાને આવતા અનેક સવાલની સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમા કેવો આંધળો વહીવટ ચાલે છે તેનો વધુ એક પુરાવો પ્રસ્થાપિત થયો છે,
ચંદ્રકાંત ખાખરીયા શું કહે છે..
જામનગર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાની આ મામલે પ્રતિક્રિયા લેવામાં આવતા તેને કહ્યું કે અમારું સંઘ નિયમ મુજબ રચાયેલી સંસ્થા છે.જેની રચના માટે શિક્ષણ સમિતિએ વર્ષ ૨૦૧૧-૧૨માં મંજૂરી આપી છે,અને સંધમાં સમિતિના ૩૮૬ શિક્ષક સભ્યો છે અને યુનિયનના નીતિ-નિયમ મુજબ ઓડીટ રિપોર્ટ અને આવકવેરા રીટર્ન ફાઇલ કરવામાં આવે છે.ત્યારે શિક્ષણ સમિતિ દ્વારા સંધની માન્યતા રદ કરવા મુદે કાયદાકીય રીતે યોગ્ય જવાબ આપી અમારા દ્વારા ઘટતી કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં આવશે..
શાશનાધિકારી નથી ઉઠાવી રહ્યા ફોન..
આ મામલે શિક્ષણ સમિતિની પ્રતિક્રિયા જાણવા માટે શાશનાધિકારી મહેતાનો તેના ફોન પર બે વખત સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ તેવો ફોન ના ઉઠાવતા તેની પ્રતિક્રિયા લેવાઈ શકી નથી.