Mysamachar.in-જામનગર:
ગુજરાત ઔદ્યોગિક રાજ્ય છે એ ખરૂં છે પરંતુ આ ક્ષેત્રમાં સરકારનો રોલ ખૂબ જ મર્યાદિત હોવાનું અને ઉદ્યોગકારો આપમેળે કોઠાસૂઝથી આગળ વધતાં હોવાનું સૌ જાણે છે કેમ કે, ગુજરાતી પ્રજા ઉદ્યમશીલ અને વેપારી પ્રજા છે, બીજી તરફ આ ક્ષેત્રમાં પણ સરકારની ગતિ કાચબાગતિ હોવાની સ્થિતિઓ વર્ષોથી જોવા મળે છે.
દાખલા તરીકે, જામનગર-રાજકોટ-મોરબી સહિતના તમામ મોટાં શહેરોમાં જે કાંઈ ઔદ્યોગિક વિકાસ થયો છે એ સ્થાનિક ઉદ્યોગકારોની દ્રષ્ટિને આભારી છે. કારણ કે, આ શહેરોમાં સરકાર આંતરમાળખાકીય સુવિધાઓ સહિતની બાબતોમાં બહુ ગતિશીલ કયારેય જણાતી નથી. આ સ્થિતિઓ વચ્ચે સરકાર વતી ઉદ્યોગમંત્રીએ ફરી એકવાર નવી જાહેરાતો કરી છે, જે જામનગર જિલ્લા સાથે સંકળાયેલી હોય અત્રે ઉલ્લેખનિય છે.

ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જાહેરાત કરી છે કે, જામનગર જિલ્લાની અલગઅલગ પાંચ ઔદ્યોગિક વસાહતોમાં કુલ 4,284 પ્લોટ અને શેડની ફાળવણી કરવામાં આવી છે. વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમ્યાન આ વિગતો આપવામાં આવી. જામનગર જિલ્લામાં કુલ 3,660 પ્લોટ તથા 624 શેડની ફાળવણી થઈ છે. ઉદ્યોગમંત્રીએ વધુમાં જણાવ્યું કે, જામનગર જિલ્લાના શેખપાટ ખાતે 36.76 હેક્ટર વિસ્તાર અને આણંદપર ખાતે 32.45 હેક્ટર વિસ્તારમાં જમીનોના આગોતરા કબજા મેળવી નવી ઔદ્યોગિક વસાહત સ્થાપવાની કામગીરીઓ કરવામાં આવી રહી છે.
આ જાહેરાત પહેલાં જ જામનગરના સૌ લોકો જાણે છે કે, શેખપાટ ખાતે ઔદ્યોગિક વસાહતની વાતો વર્ષોથી થઈ રહી છે અને કાલાવડમાં તો ઔદ્યોગિક વસાહતનું બબ્બે વખત લોકાર્પણ થઈ ગયા બાદ પણ આ વસાહતને ધમધમતી કરવામાં સફળતા મળી ન હોય જિલ્લાના તાલુકાઓમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળી શક્યો નથી. જે મુદ્દો લોકોની દ્રષ્ટિએ ઉચાટનો વિષય છે.
દરમિયાન, ઉદ્યોગમંત્રીએ વિધાનસભામાં એમ પણ કહ્યું કે, જામનગર જિલ્લાના જામજોધપુર તથા લાલપુર તાલુકાઓમાં અનુકૂળ જમીનોની વિગતો મોકલી આપવા બાબતે કલેક્ટર ઓફિસ પાસેથી વિગતો મંગાવવામાં આવી છે. આ વિગતો આવી જશે પછી ત્યાં ઔદ્યોગિક વસાહત સ્થાપવા અંગેની શકયતાઓની ચકાસણી કરવામાં આવશે.
