Mysamachar.in-અમદાવાદ:
ગત્ લોકસભા ચૂંટણીઓ વખતે જે મતદાન થયું તેના સત્તાવાર રીતે જાહેર થયેલાં આંકડા અને ખરેખર થયેલું મતદાન- આ બંને આંકડામાં હજારો મતોનો તફાવત છે, એવો રિપોર્ટ બહાર આવતાં હલચલ મચી છે અને સાથેસાથે અચરજની વાત એ પણ છે કે, આ રિપોર્ટ બહાર આવ્યો પછી પણ ચૂંટણીપંચે આ અંગે કોઈ સ્પષ્ટતાઓ જાહેર કરી નથી, તો શું તેનો અર્થ એવો કરવો કે, ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલાં સત્તાવાર આંકડા ખરેખર સાચા નથી ?! જો આમ હોય તો, કોઈ કોઈ બેઠકો પર આ તફાવતને કારણે પરિણામ હાલના પરિણામ કરતાં અલગ હોય શકે કે કેમ, તેની પણ ખરેખર તો તપાસ થવી જોઈએ.
ADR રિપોર્ટ કહે છે: 2024માં લોકસભા ચૂંટણીઓના મતદાનના જે આંકડા જાહેર થયા છે તે અને EVMમાં પડેલા મતોની સંખ્યાઓ વચ્ચે કુલ 538 બેઠકો પર તફાવત જોવા મળેલ છે. એટલે કે, દેશની લગભગ તમામ બેઠક પર જે આંકડા જાહેર થયા છે તે વાસ્તવિક આંકડા નથી.
આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 362 સંસદીય મત વિસ્તાર એવા છે જ્યાં ખરેખર જે મતદાન થયું અને જે મતો ચૂંટણીપંચ દ્વારા ગણતરીમાં લેવામાં આવ્યા છે તેમાં કુલ 5,54,598 મતોનો ફેરફાર છે. આટલાં મત ચૂંટણીપંચ દ્વારા ગણવામાં નથી આવ્યા. 176 સંસદીય મત વિસ્તાર એવા છે જ્યાં કુલ પડેલાં મતો કરતાં 35,093 વધુ મતોની ગણતરીઓ કરવામાં આવી છે. આ પ્રકારની બાબતો અંગે ચૂંટણીપંચ દ્વારા કોઈ જ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી નથી.
ગુજરાતની લોકસભાની 24 બેઠકો પર 15,521 મતોનો ગણતરીઓમાં ફેરફાર જોવા મળેલ છે. ADR ના સ્થાપક જગદીપ ચોકરે પત્રકાર પરિષદમાં કહ્યું: અંતિમ મતદાન ડેટા જાહેર કરવામાં અસાધારણ વિલંબ, વિવિધ મતદાન વિસ્તારો અને મતદાન મથકો પર થયેલાં મતદાનના આંકડા ઉપલબ્ધ ન હોવા અને જાહેર કરાયેલા ચૂંટણી પરિણામો અંતિમ ઉપલબ્ધ આંકડાના ડેટાના આધારે જાહેર કરવામાં આવેલ છે કે કેમ, આ બધી બાબતો અંગે ચૂંટણીપંચે સ્પષ્ટતાઓ કરી ન હોય, ચૂંટણી પરિણામો અંગેની પ્રમાણિકતા શંકા અને ચિંતાઓ ઉભી કરે છે.
રિપોર્ટ વધુમાં એમ કહે છે કે, અંતિમ અને ઉપલબ્ધ ડેટાના આધારે ચૂંટણી પરિણામ જાહેર કરવાને બદલે એમ ને એમ પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા અંગે સમજૂતી આપવામાં ચૂંટણીપંચ નિષ્ફળ રહ્યું છે. EVMમાં પડેલાં મતો, મતોની ગણતરીઓમાં વિસંગતતાઓ, ચૂંટણીઓ પૂર્ણ થયાના થોડાં દિવસો પછી અંતિમ મતદાનની ટકાવારીમાં થતો વધારો, બુથ મુજબની મતદાનની ટકાવારી જાહેર ન કરવી, પડેલા મતોનો ડેટા જાહેર કરવામાં થયેલો વિલંબ અને ચૂંટણીપંચની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલા કેટલાંક ડેટાને ડીલીટ કરવાની બાબત- આ તમામ બાબતો અંગે પણ ચૂંટણીપંચ દ્વારા કોઈ જ સ્પષ્ટતાઓ કરવામાં આવી નથી. (file image source:google)