જામનગરની ફૂડ શાખાએ આજે જાહેર કર્યું છે કે, ખાદ્યચીજોના ધંધાર્થીઓને ત્યાંથી નમૂનાઓ લેવામાં આવ્યા છે, દંડ કરવામાં આવ્યા છે અને કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે.
મહાનગરપાલિકાની ફૂડ શાખાએ જણાવ્યા અનુસાર, સુભાષ શાકમાર્કેટ વિસ્તારમાં ભાનુશાળી મહેન્દ્રકુમાર એન્ડ બ્રધર્સમાંથી ધાણાજીરૂનું લૂઝ સેમ્પલ લેવાયેલું જે ‘અસલામત’ જાહેર થતાં તેમની વિરુદ્ધ કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
રણજિતસાગર રોડ પર કિશન મસાલા સિઝનની લૂઝ હળદર
‘અસલામત’ જાહેર થતાં રૂ. 25,000ની પેનલ્ટી વસૂલવામાં આવી છે. ગોકુલનગર મહાકાલેશ્વર ડેરીનું લૂઝ દહીં યોગ્ય ન જણાંતા રૂ. 20,000 પેનલ્ટી વસૂલવામાં આવી છે. સત્યમ રોડ પરની જય ગોપાલ ડેરીનું મિક્સ દૂધ યોગ્ય ન જણાતાં કાયદાકીય જોગવાઈ અનુસાર કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે.
આ સાથે જ રાધે રાધે રેસ્ટોરન્ટ, રેસ્ટરો એન્ડ કાફે તથા આદિત્ય રેસ્ટોરન્ટના સંચાલકોને સફાઈ, વાસી ખોરાક તથા ખાદ્ય પદાર્થો ખુલ્લા ન રાખવા સંબંધેની સૂચનાઓ આપવામાં આવી છે. રેસ્ટરો એન્ડ કાફેમાં કેટલોક ખાદ્ય પદાર્થ યોગ્ય ન હતો તેથી આવી ચીજોનો નાશ કરવામાં આવ્યો.
આ ઉપરાંત ખેતેશ્વર સ્વીટ એન્ડ નમકીન, સંતોષ અને ગણેશ સ્વીટ એન્ડ નમકીન, ગોવર્ધન ચેવડાવાલા, મેહુલ ફરસાણ, જય ભવાની સ્વીટ એન્ડ નમકીન, નેશનલ વેફર્સ એન્ડ નમકીન, અંબિકા ડેરી પ્રોડક્ટ, કમલેશ ડેરી, ચોઈસ સ્વીટ એન્ડ નમકીન તથા લક્ષ્મી સ્વીટ એન્ડ ફરસાણ માર્ટમાંથી ફરાળી ચીજોના નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા છે.