Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકામાં ચુંટણી પૂર્ણ થયા બાદ બેફામ ખનીજચોરી થઇ રહી હોવાનું જાણકારો કહે છે. જેમાં કેટલાક તંત્રોની મિલીભગત છે તો કેટલાક તંત્રએ લાલ આંખ કરી અને પોતાનો પરચો બતાવી દીધો છે એવામાં કલ્યાણપુરના મહિલા મામલતદાર દ્વારા ટીમો સાથે સર્ચ કરી અને અનઅધિકૃત રેતી અને બ્લેકટ્રેપના વાહનો ઝડપી પાડતા ગેરકાયદેસર ખનન કરનારાઓ સમસમી ઉઠયા છે.
આ અંગે જે રીતે વિગતો મળી રહી છે તે મુજબ રેતી ભરેલ એક ટ્રેક્ટરને ગત 23ના રોજ 5 મેટ્રિક ટન અનઅધિકૃત જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યું છે, જે બાદ 28 ડીસેમ્બરના રોજ 8 મેટ્રિક ટન અનઅધિકૃત બ્લેક ટ્રેપ ભરેલ ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યું છે, તો 30 ડીસેમ્બરના રોજ 14 ટન અનઅધિકૃત બ્લેક ટ્રેપ ભરેલ વધુ એક ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યું છે, અને આ અંગે આગળની કાર્યવાહી ભૂસ્તરશાસ્ત્રી કચેરીને કરવા જાણ કરેલ છે, જે પૈકી એક વાહનને સવા લાખ દંડ ભરી મુક્ત કરવામાં આવ્યું છે.તો મામલતદાર રીંડાણીએ કહ્યું કે ખનીજચોરી થતી હશે કે ઓવરલોડ હશે તો ચેકિંગ દરમિયાન જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
-અમારું રૂટીન ચેકિંગ ચાલુ છે:ખાણ ખનીજ અધિકારી:કેયુર રાજપરા
આ અંગે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખાણ ખનીજ અધિકારી કેયુર રાજપરા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે અમારું રૂટીન ચેકિંગ ચાલુ હોય છે, વચ્ચે હંગામી ધોરણે એક કોડ ફાળવવામાં આવેલ હતો, હાલ તો બોક્સાઈટ ચાલુ નથી, પણ બ્લેક ટ્રેપ સહિતની ગાડીઓ પકડાય છે, આમ ખાણ ખનીજ અધિકારીનું કહેવું એવું છે કે જ્યાં બોક્સાઈટ સહિતનો આટલો જથ્થો પડ્યો છે તે આ વિસ્તારમાં કોઈ પ્રકારે બોક્સાઈટ ઉપડતું જ નથી, તો સુત્રો કહે છે રાત્રીના ગેરકાયદે જે ઉપડે છે તે કઈ ખનીજ હશે..?