Mysamachar.in:ગુજરાત
સાઈબર ક્રાઇમ દિવસે દિવસે મોટો અને ચિંતાજનક વિષય બની રહ્યો છે. ટેકનોલોજીનો અદભૂત વિકાસ અને મોબાઈલ નામનું રમકડું સૌને ઉપલબ્ધ હોય, લોકો જાતજાતની રમતોમાં ઉતરવા લલચાય છે જે પૈકી હજારો નહીં, લાખો લોકો સાઈબર ક્રાઇમનાં શિકાર બની રહ્યા છે. જેને કારણે વિજિલન્સ એજન્સીઓની કામગીરીઓમાં ખાસ્સો વધારો થયો છે.
ગુજરાત CID ક્રાઈમ આ દિશામાં ઝડપભેર આગળ વધી રહ્યું છે. આ એજન્સીએ એવાં 30,000 સીમનંબર એકત્ર કર્યા છે જે નંબરો પરથી અંદાજે 1 લાખ 27 હજાર ગુજરાતીઓને છેતરી લેવામાં આવ્યા છે ! આ ભોળાલોકોએ (જો કે એમાંના ઘણાં શોખીન મિજાજી પણ હોય શકે !) કુલ રૂ.815 કરોડ ગુમાવ્યા છે ! શિકારી સીમ નંબરોની યાદી તૈયાર કર્યા પછી હવે એજન્સીએ આ તમામ સીમનંબરો બ્લોક કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત CID ક્રાઈમેં આ નંબરોની સંપૂર્ણ યાદી દિલ્હી ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમને મોકલી આપ્યા પછી, આ કેન્દ્રીય વિભાગે આ નંબરો બ્લોક કરવા માટેની કાર્યવાહી શરૂ કરી હોવાનું સંબંધિત અધિકારીઓ જણાવે છે. એક અધિકારીએ એમ કહ્યું કે, આ નંબરો પૈકીના મોટાભાગના નંબરો મેવાત, મેરઠ, ભરતપુર, ગાઝિયાબાદ, નાદિયા અને પશ્ચિમ બંગાળનાં ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
રોમાંટિક ચેટ, વીજસંબંધિ એસએમએસ, બિટકોઇન લેવા છે ? અથવા, મોજ કરવી છે ?! વગેરે પ્રશ્નો સાથે આ પ્રકારના કૌભાંડ શરૂ થતાં હોય છે જેમાં ઘણાં લોકોનાં પગ લપસી જતાં હોય છે અને અંતે નાણાં ગુમાવવાનો વારો આવતો હોય છે. ઘણાં લોકો નાણાંની સાથે પ્રતિષ્ઠા પણ ગુમાવતાં હોય છે ! પાછલાં ત્રણ વર્ષમાં ગુજરાતીઓનાં ખિસ્સામાંથી આ રીતે ચીટરોએ રૂ.815 કરોડ સેરવી લીધાનું તો પોલીસચોપડે છે, કલ્પના કરો – ન નોંધાયેલી ફરિયાદોની સંખ્યા અને ગુમાવેલી રકમ કેવડી હશે ?!






