Mysamachar.in-જામનગર:
જામનગરની સિટી બી ડિવિઝન પોલીસે પાંચ ટ્રક માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહીઓ કરી છે, ધરપકડો કરી છે અને રૂ. 10 કરોડ જેટલી કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગેંગમાં કુખ્યાત શખ્સ રજાક સોપારીનો પણ સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તે હાલ એક વકીલ હત્યા કેસમાં જેલવાસ ભોગવી રહ્યો છે.
સિટી બી ડિવિઝન પોલીસે જાહેર કર્યું છે કે, આ ટ્રક કાંડમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાં રામ ભીમશી નંદાણીયા તથા આમીન નોતિયાર વગેરેનો સમાવેશ થાય છે. એક ખાનગી ફાઇનાન્સ કંપનીના હેડ દ્વારા ગત્ 7મી ઓગસ્ટે પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે આ કાર્યવાહીઓ કરી હોવાનું જાહેર થયું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ગુનાહિત કાવતરાંમાં કુલ 16 શખ્સો સંડોવાયેલા છે. આ શખ્સોએ પોતાના નામે ફાઇનાન્સમાંથી કુલ 31 ટ્રકની લોન્સ લીધેલી છે. આ ઉપરાંત અન્ય 5 ટ્રક પણ આ પ્રકારના છે. સમગ્ર મામલો કુલ 36 ટ્રકનો છે અને ફાઇનાન્સ કંપની સાથે કુલ રૂ. 13,06,72,884ની છેતરપિંડીઓ થઈ હોવાનું ફરિયાદમાં કહેવાયું છે.
આ બધાં જ ટ્રકનો હવાલો પ્રથમ આમીન નોતિયાર સંભાળી લેતો, બાદમાં આ ટ્રકોનો કબજો રઝાક સોપારી, રામ આહિર તથા અન્ય આરોપીઓને સોંપી દેવામાં આવતો. આ તમામ ટ્રક ફાઇનાન્સ પર લીધાં બાદ અમુક EMI ભર્યા પછી ફાઇનાન્સ કંપનીમાં નાણાં જમા કરાવવામાં આવતાં નહીં. આ તમામ ટ્રક નૂર બ્રધર્સ- નૂર ટ્રાન્સપોર્ટમાં ચલાવવામાં આવતાં. ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ કે અધિકારીઓ EMI વસૂલવાની પ્રક્રિયાઓ હાથ ધરતાં ત્યારે આ શખ્સો તેમને ધમકાવતા, નાણાં ન આપતાં અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતાં. એમ ફરિયાદીએ કહ્યું છે.
આ ટ્રક ગેંગ જામનગર ઉપરાંત દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓમાં આ પ્રકારના ખેલ પાડે છે અને ગેરકાયદેસર રીતે ટ્રાન્સપોર્ટ બિઝનેસ કરે છે. પોલીસે 10 ટ્રક કબજે લીધાં છે. અન્ય 14 ટ્રક ટ્રેક કર્યા છે. કુલ રૂ. 10 કરોડનો મુદ્દામાલ કબજે લીધો છે. આ તમામ કાર્યવાહીઓ સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ, સિટી બી ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર તથા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી છે.