Mysamachar.in-ગાંધીનગર
રાજ્યના શહેરોમાં કેટલાક લોકો શોખથી કેટલાક ખાસ સીન જમાવવા માટે બુલેટ ચલાવતા હોય છે, અમુક તેમાં ખાસ પ્રકારના સાયલેન્સર ફીટ કરાવે છે, જેથી અવાજની તીવ્રતા વધી જાય છે, મોટો અવાજ કરતા બુલેટ ફૂલ સ્પીડમાં ચલાવીને ન્યૂસન્સ ઊભું કરવાની કેટલાક યુવાનો દ્વારા થતી પ્રવૃત્તિ અટકાવવા અને કાર્યવાહી કરવા વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખ્યો છે. આર.સી.ફળદુએ જે પત્ર લખ્યો છે તેમાં જણાવાયું છે કે ગાંધીનગર તેમજ રાજયના અન્ય શહેર જીલ્લાઓમાં આજ કાલ બુલેટ લઇને નીકળતા ઇસમ પોતાની જાતિગત ઇમેજ ઉભી કરવા તથા રાહદારીઓનું ધ્યાન પોતાના તરફ આકર્ષાય તથા તેમના મલીન ઇરાદાઓ સફળ થાય તે માટે કુલ સ્પીડમાં નીકળે છે.
જેથી તેના સાયલેન્સરનો અવાજ (ન્યુસન્સ) એટલો વિસ્ફોટક-ભયાનક હોય છે કે નાના – બાળકોના કાનમાં હંમેશા બહેરાશ આવી જાય તેમજ તેની આજુ બાજુમાં વાહન ચલાવતા વ્યકિતનું પણ ધ્યાન ડ્રાઇવીંગ પરથી વિચલીત થવાના કારણે અકસ્માત થતો હોય છે. જેથી બુલેટ (ટુ-વ્હીલર) ઉપર થતા અવાજ (ન્યુસન્સ) બંધ કરાવવા તેમજ આવા બુલેટ લઈને નીકળતા વ્યકિત સામે ફોજદારી તેમજ દંડનીય કાર્યવાહી કરવા ગાંધીનગરના જાગૃત નાગરિકો દ્વારા મળેલ રજૂઆત સંદર્ભે કાર્યવાહી કરવા જણાવાયું છે.