Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં સરકાર દ્વારા આપવામાં આવતો અનાજનો જથ્થો રાખવા સબબ ત્રણ આસામીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ અંતર્ગત કુલ રૂપિયા 16.25 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.આ અંગેની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા કલેકટર એમ.એ.પંડ્યા અને જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ અને ખંભાળિયાના નાયબ કલેકટર તથા ઇન્ચાર્જ પુરવઠા અધિકારીની સુચના અંતર્ગત ભાણવડ તાલુકા મામલતદાર દક્ષાબેન રીંડાણી તથા તેમની સાથે સ્થાનિક પુરવઠા વિભાગની ટીમ દ્વારા ભાણવડ પોલીસ અધિકારી તથા સ્ટાફને સાથે રાખીને ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહી હેઠળ ભાણવડ નજીકના ત્રણ પાટીયા પાસેથી પસાર થતા જી.જે. 25 ટી. 9987 નંબરના ટ્રક ઉપરાંત ભાણવડ તાલુકાના વેરાડ ગામની સીમમાં આવેલા એક વાડી વિસ્તારમાં રહેલા અનાજના ગોડાઉનમાં કરવામાં આવેલા ચેકિંગમાં આ સ્થળે રાખવામાં આવેલો અનાજનો જથ્થો શંકાસ્પદ હોવાનું અધિકારીઓના ધ્યાને આવ્યું હતું.
આ ગોડાઉનમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો અને નાગરિક પુરવઠા વિભાગનો વ્યાજબી ભાવના દુકાનદારોને આપવાનો જથ્થો હોવાનું ખુલવા પામ્યું હતું. આ સ્થળેથી રૂ. 1,97,800 ની કિંમતના 8,600 કિલોગ્રામ ઘઉં તથા રૂપિયા 7,27,500ની કિંમતના 29,100 કિલોગ્રામ ચોખાનો જથ્થો સાંપડ્યો હતો. રૂપિયા સાત લાખની કિંમતના ટ્રક સહીત કુલ રૂ. 16,25,300 નો મુદ્દામાલ તંત્ર દ્વારા કબજે લઇને સીઝ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત આ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડોર સ્ટેપ ડિલિવરીના ઇજારદાર રાજુ નગાભાઈ છેતરીયા, ડ્રાઈવર નાથા અરજણભાઈ ભણસૂર અને મુકેશભાઈ રતનભાઈ દુધરેજીયા નામના ત્રણ શખ્સો ઉપરાંત આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા અન્ય શખ્સો સામે ભાણવડ મામલતદાર કચેરીના પુરવઠા વિભાગના નાયબ કલેકટર નાયબ મામલતદાર દ્વારા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ મુજબ ફરિયાદ અંગેની તજવીજ કરી, પોલીસને વિધિવત રીતે જાણ કરવામાં આવી છે.આ સમગ્ર પ્રકરણે સ્થાનિક તંત્રમાં ચર્ચા સાથે દોડધામ પ્રસરાવી હતી.