છેલ્લા કેટલાંક વર્ષથી જામનગર સહિત હાલાર અને સમગ્ર રાજ્યમાં છાતીના દુ:ખાવા સંબંધિત ફરિયાદો વ્યાપક રીતે જોવા મળી રહી છે અને તેમાં ઘણાં યુવાઓના મોત પણ થઈ રહ્યા છે. એક અભ્યાસનું તારણ એવું પણ આવ્યું છે કે, હ્રદય સંબંધિત તકલીફો વૃદ્ધોની સરખામણીએ યુવાઓમાં 4 ગણી વધુ જોવા મળી રહી છે !
સમગ્ર રાજ્યની સ્થિતિઓ જૂઓ તો, 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને હ્રદય સંબંધિત એટલે કે કાર્ડિયાક અને ચેસ્ટ પેઈનના જે કોલ્સ મળી રહ્યા છે તેમાં સૌથી વધુ દર્દીઓ
‘યુવાઓ’ છે ! આ એક ગંભીર ચિંતાઓનો વિષય લેખાવી શકાય. આ પ્રકારની સ્થિતિઓ માટે અલગઅલગ કારણો રજૂ કરવામાં આવે છે અને આ સ્થિતિઓ ટાળવા સારાં ખાનપાન સહિતની કેટલીક સલાહો પણ આપવામાં આવી રહી છે.
થોડાં સમય અગાઉ સંસદમાં, યુવાઓના અચાનક મૃત્યુ અંગે કેટલીક માહિતીઓ આપવામાં આવી હતી. જેમાં કહેવાયું હતું કે, ICMRના નેશનલ ઈન્સ્ટીટયૂટ ઑફ એપિડોમોલોજી દ્વારા એક અભ્યાસ કરવામાં આવ્યો છે. જો કે હજુ સુધી આ અભ્યાસને સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યો નથી. ઓક્ટોબર-2021 થી જાન્યુઆરી-2023 વચ્ચે આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના 3 તારણો બહાર આવ્યા છે.
આ અભ્યાસના તારણો જણાવે છે કે, હોસ્પિટલમાં દાખલ થયેલાં યુવાઓમાં કોઈ જૂનો રોગ અથવા કુટુંબમાં આવા રોગની હિસ્ટ્રી, કોવિડ-19ની વેકસિનની હ્રદયરોગ વધારવામાં કોઈ અસર જણાઈ નથી અને યુવાઓમાં કોઈ રોગ ન હોય અને આવી કોઈ ફેમિલી હિસ્ટ્રી ન હોય તો પણ- હ્રદયરોગ જોવા મળે છે.
આ ઉપરાંત યુવાઓના અકળ કારણોસર પણ મોત થઈ રહ્યા છે. જેમાં 3 સંભવિત કારણો જોવા મળી રહ્યા છે. (1) કોરોના દરમ્યાન હોસ્પિટલાઈઝેશન, (2) પરિવારમાં કોઈનું અચાનક મૃત્યુ અને (3) બિનઆરોગ્યપ્રદ ખાણીપીણી- લાઈફ સ્ટાઈલ. વિશ્વ આરોગ્ય સંસ્થાનો તાજો રિપોર્ટ કહે છે, વિશ્વમાં કુલ મોત પૈકી 32 ટકા મોત હાર્ટએટેકથી થઈ રહ્યા છે !
ગુજરાતમાં વર્ષ 2024 દરમ્યાન 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને હ્રદય સંબંધિત મળેલા કોલ્સની સંખ્યા 84,738 રહી હતી. આ વર્ષે 2025માં 20 ઓગસ્ટ સુધીમાં આ પ્રકારના કોલ્સની સંખ્યા 60,544 રહી છે. જે પૈકી સરેરાશ 35 ટકા કેસ એવા છે જે દર્દીઓની ઉંમર 21 થી 30 વર્ષની છે. આ ઉપરાંત 10 વર્ષની ઉંમર સુધીના બાળકોમાં પણ હ્રદયરોગ જોવા મળી રહ્યો છે !