Mysamachar.in-અમદાવાદ
અનૈતિક સબંધોનો અંજામ હંમેશા કરુણ જ આવે છે અને આવો વધુ એક કીસ્સ્સો સામે આવ્યો છે, રાજ્યના અમદાવાદમાં દિવ્યપ્રભા સોસાયટીમાં પત્ની, બે બાળકો તથા વડ સાસુની હત્યા કરી નાશી જનાર આરોપી વિનોદ ગાયકવાડને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશ દાહોદ બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે. પોલીસ પૂછપરછમાં આરોપી વિનોદે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. પત્નીના છેલ્લા બે વર્ષથી અનૈતિક સબંધ સામુહિક હત્યાનું કારણ બન્યુ હતુ. પરિવારને માર્યા બાદ વિનોદ પત્નીના પ્રેમીને પણ મારવા નીકળ્યો હતો, પરંતુ બાદમાં વિચાર પડતો મૂક્યો હતો.
ક્રાઈમ બ્રાંચે માહિતી આપતા જણાવ્યુ કે, વિનોદ ગાયકવાડની પત્ની સોનલને અન્ય સાથે આડા સંબંધો હતા. એકવાર તેનો દીકરો માતાને પ્રેમી સાથે જોઈ ગયો હતો. આ વિશે તેણે પિતાને જાણ કરી હતી. ત્યારથી વિનોદે મનોમન પત્નીના મર્ડરનો પ્લાન બનાવ્યો હતો. 26 માર્ચના દિવસે તેણે મર્ડર કરવાનુ નક્કી કર્યુ હતું. પ્લાનિગ મુજબ તેણે દીકરા ગણેશ (ઉંમર 17 વર્ષ) ને શ્રીખંડ લેવા મોકલી દીધો હતો. તો દીકરી પ્રગતિ (ઉમર 15 વર્ષ) ગુટખા લેવા મોકલી હતી. ત્યાર બાદ તેણે પત્નીને આંખે પાટા બાંધી સરપ્રાઈઝ આપવાની વાત કરી હતી, અને તેને છરા મારીને પતાવી હતી. આ બાદ પોતાના બંને સંતાનોનું શુ થશે તે વિચારમાં તેણે દીકરો અને દીકરી ઘરમાં આવ્યા બાદ બંનેને છરાના ઘા મારીને પતાવી દીધા હતા. તો વડ સાસુ સુભદ્રાબેન સાથે પણ તેને પહેલેથી રકઝક ચાલતી હતી. તે પત્નીને ચઢાવતી હતી, તેથી વડ સાસુને બોલાવીને મારી નાંખી હતી.
આ બાદ તેણે સાસુને પણ મારવાનો પ્લાન બનાવીને તેમને ઘરે બોલાવ્યા હતા. તેણે સાસુને છરા માર્યા હતા. પરંતુ બાદમાં દયા ખાઈને તેમને છોડી દીધા હતા. તેમને થોડીવાર ઘરમાં બેસાડીને જવા દીધા હતા. પરિવારની હત્યા કર્યા બાદ વિનોદ ગાયકવાડ એક્સપ્રેસ હાઈવે પર ગયો હતો. પરિવારને માર્યા બાદ પત્નીના પ્રેમીને મારવાનો પણ તેણે પ્લાન બનાવ્યો હતો. પરંતુ ચાર મર્ડર પહેલે જ કર્યા છે, તે ડરે તેણે પત્નીના પ્રેમીને મારવાનો પ્લાન પડતો મૂક્યો હતો. બસમાં બેસીને નીકળી ગયો હતો.ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યુ કે, દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ આધારે ચોક્કસ માહિતી મળેલ કે…
આ મર્ડરના ગુનામાં સંડોવાયેલ આરોપી વિનોદ ગાયકવાડ આ ગુનો કર્યા બાદ મધ્યપ્રદેશ ભાગી ગયો હતો અને તે મધ્યપ્રદેશથી પરત ગુજરાત તરફ આવવા માટે નીકળ્યો હતો. જે બાતમી હકીકત આધારે આ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. મધ્યપ્રદેશ દાહોદ બોર્ડર ઉપરથી સરકારી એસ.ટી. બસમાંથી આવી રહેલ વિનોદ ઉર્ફે બાળા નારાયણભાઈ મારૂતિભાઈ ગાયકવાડ ને પકડી પાડ્યો હતો. તેનુ લોકેશન સતત આગળ પાછળ થઈ રહ્યુ હતું, તેથી પોલીસે રસ્તા પર જતા વાહનોને થંભાવ્યા હતા. આખરે બસ ચેકિંગમાં તે પકડાઈ ગયો હતો. પોલીસ પૂછપરછમાં વિનોદે છરો જ્યા ફેંક્યો હતો તે જગ્યા પણ બતાવી હતી. બનાવ અંગે ઓઢવ પોલીસ સ્ટેશનમાં કલમ 302, 307, 201 તથા જી.પી.એકટ કલમ 135(1) મુજબનો ગુનો નોંધાયો છે.