Mysamachar.in-જામનગર:
જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં લાખો રૂપિયાનું કૌભાંડ આચરી સરકાર સાથે છેતરપિંડી કરનાર બે આરોપીઓ દિવસો સુધી પોલીસના હાથમાં આવ્યા નહીં, પછી એક આરોપી હાથમાં આવ્યાનું પોલીસે જાહેર કર્યું અને આ જાહેરાત પણ આરોપીને ‘ચૂપચાપ’ જેલ સુધી પહોંચાડી દેવાયા બાદ થઈ છે તથા અન્ય એક મહિલા આરોપી હજુ ફરાર હોવાનું જાહેર થયું છે.
જામનગરની જીજી હોસ્પિટલમાં વર્ષોથી મેનપાવર સપ્લાયના કામમાં એમ.જે.સોલંકી નામની કોન્ટ્રાક્ટર એજન્સીનો ‘દબદબો’ છે. આ એજન્સીને ગાંધીનગરના આશિર્વાદ હોવાનું કહેવાય છે અને સ્થાનિક સ્તરે કોઈ આ એજન્સી સાથે કડકપણું દાખવતું નથી. આ એજન્સીના એક પુરૂષ તથા એક મહિલા કર્મચારીએ લાંબા સમય સુધી, આર્થિક ગોટાળા કરી, સરકારને છેતરવાનું ચાલુ રાખ્યું. આ બાબત એજન્સીના કર્તાહર્તાના ધ્યાન બહાર કેવી રીતે રહી શકે ? માલિકની ઈચ્છા વિના પેઢીમાં પાંદડુ પણ હલી ન શકે. આ ઉપરાંત હોસ્પિટલ સત્તાવાળાઓ પણ આ કૌભાંડ સંબંધે વર્ષો સુધી અમસ્તા જ ‘ઘોરતા’ રહ્યા હશે ?! આમ છતાં ફરિયાદના દિવસો બાદ પણ આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી બહાર આવી ન હોય- બંને તપાસનીશ એજન્સી, હોસ્પિટલ અને પોલીસ, ચર્ચાઓમાં છે. દરમ્યાન, પોલીસે ગુરૂવારે મોડી રાતે વિગતો વહેતી કરી કે, આ ઉચાપત પ્રકરણના એક આરોપી ભાર્ગવ ત્રિવેદીની ધરપકડ પણ થઈ ગઈ અને તેને જેલ સુધી પહોંચાડી દેવામાં આવ્યો છે. અને, અન્ય આરોપી દિવ્યાને પકડવાની બાકી છે, જે હજુ ફરાર છે.
-આ મામલામાં અલગ મોડસ ઓપરેન્ડી જોવા મળી…
સામાન્ય રીતે કોઈ પણ નાના મોટા ગુનાના આરોપી કે આરોપીઓ ઝડપાઈ ગયા છે તેવી જાહેરાત ‘ધૂમધડાકા’ સાથે થતી હોય છે. પરંતુ આ કિસ્સામાં આરોપી ઝડપાઈ ગયો છે એવી કોઈ જ ‘પ્રેસનોટ’ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા થઈ નહીં. રિમાન્ડની માંગ કે આરોપીને અદાલતમાં રજૂ કરવાની વાત કે કશું જ જાહેર થાય એ પહેલાં- આરોપીને ચૂપચાપ જેલ સુધી પહોંચાડી દેવાયો. જેથી લોકો આરોપીનો ચહેરો જોવાની તક ચૂકી ગયા. અને, આ મામલાની મહિલા આરોપી તો આ પુરૂષ આરોપી કરતાં પણ ચબરાક…પોલીસને ઈંતજાર કરાવી રહી છે, લોકો વિચારે છે…ક્યાં ભાગતી ફરતી હશે…? અને, આ પ્રકરણમાં સરકારી નાણાંની જે ઉચાપત થઈ છે, તેની રિકવરી અંગે પણ કયાંય, કોઈ નવીન સમાચાર જાણવા મળેલ નથી.