Mysamachar.in-સુરત:
સુરતના વરાછા પોલીસ મથકમાં આરોપીએ આપઘાતનો પ્રયાસ કરતા થોડીવાર પુરતી અફડાતફડી મચી જવા પામી હતી, બાથરૂમ જવાનું કહી આરોપીએ ગળાના ભાગે કોઈક કારણોસર તીક્ષ્ણ સાધન વડે ગંભીર ઇજા પહોંચાડી હતી. જ્યાં બાદમાં આરોપીને તાત્કાલિક સારવાર અર્થે પોલીસ સ્મીમેર હોસ્પિટલ લઈ આવી હતી. હાલ આરોપીની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. વરાછા પોલીસ દ્વારા સીઆરપીસીની કલમ 151 હેઠળ ઉમેશ બચ્ચન યાદવ નામના યુવકની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ યુવકની પૂછપરછ કરી રહી હતી, જે દરમ્યાન તેણે બાથરૂમ જવાનું કહેતા પોલીસ કર્મચારી તેને બાથરૂમમાં લઈ ગયો હતો. જોકે સમય વીત્યા છતાં તે બહાર આવ્યો નહોતો.
જેથી પોલીસ કર્મચારીએ તપાસ કરતા યુવક બાથરૂમમાં લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. જેને લઈ સમગ્ર પોલીસ મથકમાં દોડધામ મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત હાલતમાં ઉમેશ યાદવને તાત્કાલિક વરાછા પોલીસ સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ લઈ આવી હતી. હોસ્પિટલમાં દાખલ યુવકને તાત્કાલિક સારવાર આપી સર્જરી કરવામાં આવી હતી .જ્યાં યુવકની હાલત હાલ તો સુધારા પર હોવાનું જાણવા મળે છે.