Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં અકસ્માતો બહુ મોટો અને ચિંતાજનક મુદ્દો બની ગયો છે. 2,190 દિવસમાં 44,480 લોકો અકસ્માતોમાં મોતને ભેટયા છે. એટલે કે, દર 24 કલાકે 20 લોકો મોતને ભેટે છે. રોજ આટલાં લોકોના મોત થતાં હોય, પરિવારો વેરણછેરણ બની જતાં હોય, આ મુદ્દે નક્કર કામગીરીઓ થવી જરૂરી બની ગઈ છે. RTO અને પોલીસ કામગીરીઓ સઘન બનાવ્યા વિના છૂટકો નથી, એવી સ્થિતિઓ જોવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ધોરીમાર્ગો પર હજારો વાહનો મોતના દૂતના રૂપમાં દોડી રહ્યા છે, આ માતેલા સાંઢ જેવા રાક્ષસી વાહનો પર કોઈ નિયંત્રણ નથી, જેને કારણે હજારો નિર્દોષ લોકો મોતને ઘાટ ઉતરી જતાં હોય છે અને લાખો પરિવારો પર આભ તૂટી પડે છે. સંખ્યાબંધ વાહનચાલકો એવા પણ હોય છે જેઓ ડ્રાઇવિંગ બાબતે અણઘડ, જોખમી અને નશાખોર હોય છે. ગુજરાત દારૂબંધીવાળું રાજ્ય હોવા છતાં, નશાખોર વાહનચાલકો પર કડક નિયંત્રણ નથી,દાખલારૂપ સજાઓ થતી નથી. હજારો વાહનચાલકો એવા હોય છે જેઓ ધોરીમાર્ગને ‘બાપુજીનું રાજ’ લેખે છે, આવા તત્વોની સાન ઠેકાણે લાવવા સત્તાવાળાઓએ રીતસર તૂટી પડવું જોઈએ એવી લાગણી સરેરાશ નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ધોરીમાર્ગ પર ઉઘરાણાં અને હપ્તાખોરીનું જે અનિષ્ટ છે, તે પણ ચિંતાઓનો ગંભીર મામલો છે. જેના વીડિયોઝ અવારનવાર વાયરલ પણ થતાં રહે છે.
રાજ્ય સરકારે વડી અદાલતમાં આંકડાઓ આપ્યા, આ આંકડાઓ આઘાતજનક છે. આંકડાઓ અનુસાર, 2018 થી 2023 દરમિયાન રાજ્યમાં 96,499 અકસ્માત પોલીસ ચોપડે નોંધાયા, જેમાં 44,480 લોકોના મોત થયા. આ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં 21,193 અકસ્માત નોંધાયા. જેમાં 10,260 લોકો માર્યા ગયા. આ વર્ષ વધુ ઘાતક અને અમંગળ સાબિત થઈ રહ્યું છે.
રાજ્યમાં અકસ્માત ડેથ રેશિયો 50 ટકા જેટલો ઉંચો છે, જે દર્શાવે છે કે ઘાતક અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને ઈજાગ્રસ્તોને તાકીદની સારવાર ઝડપથી મળતી નથી, સારવારની કવોલિટી પણ સંશોધન માંગે છે, ઈજાગ્રસ્તોને શા માટે મોતના મુખમાં જતાં બચાવી શકાતા નથી, તેનો પણ અભ્યાસ થવો જોઈએ. સિગ્નલ ભંગ, વાહનની વધુ પડતી સ્પીડ, નશાની હાલતમાં વાહન ચલાવવું અને વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરવી- આ પ્રકારના લાખો ગુના બની રહ્યા છે, તંત્રો યોગ્ય પ્રમાણમાં એલર્ટ ન રહેતાં હોય, આવા તત્વો મનફાવે તે રીતે કાળદૂત વાહનો ચલાવી રહ્યા છે, વડી અદાલત આ મુદ્દે સરકારને વારંવાર ટકોર કરે છે, ઠપકો આપે છે, છતાં સરકાર કે તંત્રોમાં આ બાબતે ગંભીરતા જોવા મળતી નથી. ખરેખર તો આવા જોખમી અને નઠારા તત્વોને દાબી દેવા આરબ રાષ્ટ્રો જેવી કઠોર સજા અને પાવરફૂલ વિજિલન્સની આવશ્યકતાઓ છે. એવું ક્યારે થશે ? કયારેય થશે ?!