Mysamachar.in-જામનગર
સામાન્ય રીતે જીલ્લા સમાહર્તા એટલે કે કલેક્ટર મીટીંગો લે, સુચના આપે અને અમુક પ્રવાસ કરે,પરંતુ જામનગરના હાલના કલેક્ટર કેતન ઠક્કર કંઇક વિશેષ, કંઇક નવુ, કંઇક વિશિષ્ટ કરીને પ્રજાલક્ષી અભિગમની સતત પ્રતિતિ કરાવે છે જે અંગે સમીક્ષકોએ કેતન ઠક્કરની વિશેષતાની નોંધ લીધી છે. આમેય વહીવટમાં સંવેદના મળે એટલે એ પ્રજાની સાનુકુળતા માટેનો વહીવટ બને છે ત્યારે કલેક્ટર કેતન ઠક્કર જેઓ હંમેશા શિસ્ત, ચોક્સાઇ, પારદર્શીતાના આગ્રહી તો છે સાથે સાથે માત્ર કલેક્ટરેટ કે રેવન્યુ પુરતુ જ નહી પરંતુ બીજા પ્રજાલક્ષી તમામ વિભાગોમાં સુચારૂ વહીવટ જળવાય તેના પણ આગ્રહી છે માટે જ જુદી જુદી કચેરીઓની આકસ્મિક તપાસણી કરે છે અને સ્વચ્છતાથી માંડી સૌહાર્દતાનો આગ્રહ રાખે છે તેઓએ મંગળવારે સરકારી કચેરીઓની તપાસ કરી મેસેજ આપ્યો છે કે જીલ્લાની કોઇપણ સરકારી કચેરીઓમા અનિયમિતતા નહી ચાલે અને ગમે તે કચેરીમાં ગમે ત્યારે તપાસ થઇ શકે છે.

જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે ગતરોજ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લઈ કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. ગ્રામ્ય પ્રાંત અને મામલતદાર કચેરી તેમજ સબ રજિસ્ટ્રાર કચેરી સહિતની મુખ્ય કચેરીઓની મુલાકાત લઈ કલેક્ટરએ શાખાવાર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરએ કોઈ પણ કામગીરી પડતર ન રહે તેની તાકીદ કરી હતી અને અધિકારીઓને સમયસર કામગીરીનો નિકાલ કરવા સૂચના આપી પારદર્શિતા અને કાર્યક્ષમતા પર ભાર મુક્યો હતો.

કલેક્ટર કેતન ઠક્કરે કચેરીઓની ઇ-ધરા કામગીરી, મહેકમની વિગત, સ્વચ્છતા અને કામગીરી વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.સરકારી કામગીરી વધુ કાર્યક્ષમ અને પારદર્શક બની શકે તે હેતુથી તેમણે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ ઉપરાંત, કલેક્ટરએ જિલ્લા સેવા સદન ખાતે આવતા અરજદારો સાથે પણ મુલાકાત કરી તેમના અભિપ્રાય જાણ્યા હતા, જે દર્શાવે છે કે તેઓ જનતાની સુવિધા અને સંતોષને પ્રાધાન્ય આપે છે. આ તકે પ્રાંત અધિકારી ગ્રામ્ય બી.એ.કાલરિયા, મામલતદાર એમ.કે.ચાવડા, સબ રજિસ્ટ્રાર યુવરાજસિંહ રાણા, દક્ષાબેન રાવલિયા સહિતના અધિકારીઓ કલેક્ટર સાથે જોડાયા હતા.
