Mysamachar.in-પાટણ:
રાજ્યમાં દિનપ્રતિદિન અલગ અલગ હાઈવે પર વધી રહેલ અકસ્માતોમાં કેટલાય લોકોના જીવ જઈ રહ્યા છે, છતાં પણ આવા વાહનો નિયંત્રિત કરવાની જાણે કોઈ વ્યવસ્થા જ ના હોય તેમ લાગે છે, એવામાં દિવાળીના મોટા દિવસે જ અકસ્માતની એક એવી ઘટના બની કે જેમાં એક જ પરિવારના પતિ પત્ની અને તેના બે બાળકો એમ કુલ 4 લોકોના મોતથી આક્રંદ છવાયું છે.
કડીથી બનાસકાંઠાના કાકંરેજ જઈ રહેલો ઠાકોર પરિવારનો પાટણ નજીક અકસ્માત સર્જાયો હતો. પરિવાર પોતાની અલ્ટો કારમાં ચાણસ્મા નજીકના રામગઢ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી પૂરઝડપે આવી રહેલા છોટા હાથી અને અલ્ટો સામસામે અથડાયા હતા. જેથી અલ્ટો કારમાં સવાર ઠાકોર પરિવારના પતિ-પત્ની અને પુત્ર-પુત્રીનાં ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે છોટાહાથીમાં સવાર એક વ્યક્તિ અને છોટાહાથીના ચાલકને ઈજા પહોંચી હતી.
એક જ પરિવારના ચાર લોકોના મોત થતા દિવાળીના દિવસે હાઈવે પર મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. ઠાકોર પરિવારનો દીપ બુઝાયો હતો. તહેવારની ઉજવણીના બદલે શોકનો માહોલ છવાયો હતો.આ અકસ્માતમાં શંભુજી જામાજી ઠાકોર ઉંમર 35 વર્ષ), આશાબેન શંભુજી ઠાકોર (ઉંમર 32 વર્ષ), પ્રિયાબેન શંભુજી ઠાકોર (ઉંમર 10 વર્ષ) તથા વિહન શંભુજી ઠાકોર (ઉંમર 5 વર્ષ) ના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.