Mysamachar.in:અમદાવાદ
ગુજરાતી ભાષામાં એક કહેવત છે : લાંચ આપીને પકડાઈ જાવ તો, લાંચ આપીને છૂટી જાઓ ! લાંચ રૂશ્વત વિરોધી શાખા (ACB)ની આ પ્રકારની શાખ છે. પરંતુ સરકાર હવે ACB ને સક્ષમ બનાવવા ઈચ્છે છે. આ વિભાગની કામગીરીઓને પરિણામલક્ષી બનાવવા સરકાર ઈચ્છે છે કે, આ વિભાગમાં નિષ્ણાત સલાહકારોની સેવાઓ લેવામાં આવે.
ACBમાં રેવન્યુ, ફાઈનાન્સ, લીગલ, ફોરેન્સિક, ટેક્ષેશન અને ટેકનિકલ નિષ્ણાંતોની ભરતીઓ કરવામાં આવશે. કેમ કે, ACBની તપાસમાં હાલ એટલી બધી ખામીઓ છે કે, ACBએ રંગે હાથ ઝડપી લીધેલાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ પૈકી 69 ટકા આરોપીઓ અદાલતોમાં વિવિધ તબક્કે છૂટી જાય છે ! ફરિયાદી ACB આવાં તત્વો વિરુદ્ધનાં કેસોને મજબૂતી આપી શકતું નથી. કેમ કે, એસીબીનાં અધિકારીઓનું વિવિધ ક્ષેત્રનું જ્ઞાન મર્યાદિત હોય છે. તેથી હવે એસીબી વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની સલાહો મેળવશે.
ACB નાં ઇન્ચાર્જ ડાયરેક્ટર અનુપમસિંઘ ગેહલોત કહે છે : હાલ એસીબી દ્વારા ઝડપી લેવામાં આવેલાં આરોપીઓ પૈકી 31 ટકા આરોપીઓને સજાના સ્ટેજ સુધી લઈ જવામાં સફળતા મળે છે. તેઓએ કહ્યું : અમદાવાદ, વડોદરા અને બોર્ડર યુનિટમાં નિષ્ણાત સલાહકારોની સેવાઓ લેવામાં આવશે. અદાલતોમાં એસીબી પોતાનો પક્ષ પૂરવાર કરી શકે તે માટે ટેકનિકલ અને કાયદાકીય નિષ્ણાંતોની સેવાઓ લેવી આવશ્યક છે.
હાલમાં ઘણાં કેસો એવા પણ જોવા મળે છે કે, અપ્રમાણસરની આવકમાંથી ઘણાં લાંચિયા તત્વોએ વિવિધ વિસ્તારોમાં મિલ્કતોની ખરીદી કરી લીધી હોય છે પરંતુ અદાલતોમાં આ પ્રકારના આરોપો પૂરવાર કરવાની પ્રક્રિયા અઘરી હોય છે. જેથી એસીબી રેવન્યુ ઉપરાંત ફાઈનાન્સ સહિતનાં ક્ષેત્રોના નિષ્ણાતોની સલાહ મેળવશે. ફોરેન્સિક સાયન્સનાં નિષ્ણાંતોની પણ સલાહ લેવામાં આવશે.