Mysamachar.in-ગાંધીનગરઃ
નવા વર્ષની શરૂઆતથી એન્ટી કરપ્શન બ્યૂરો હરકતમાં આવી ગયું છે, ACBએ મંગળવારે એક જ દિવસમાં રાજ્યમાં ત્રણ જગ્યાએ સફળ ટ્રેપ ગોઠવી લાંચિયા કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરતાં લાંચિયા સરકારી બાબુઓમાં હાલ ફફડાટ વ્યાપ્યો છે. એસીબીએ બનાસકાંઠામાં સરકારી વાહન ચલાવનાર ડ્રાઇવર, વલસાડમાં ગ્રામપંચાયતના સભ્ય અને ગાંધીનગરમાં ખનીજ વિભાગના ડ્રિલર (નાકા ક્લાર્ક) વિરુદ્ધ સફળ ટ્રેપ ગોઠવીને લાંચ લેવાનો કેસ દાખલ કર્યો છે.
બનાસકાંઠામાં મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટનું સરકારી વાહન ચલાવનાર ડ્રાઇવર પુનમ ઠાકોરને લાંચ લેવા ઝડપી પાડ્યો છે. પુનમ ઠાકોર દ્વારા ફરિયાદી જો માસિક હપ્તો ન આપવામાં આવે તો અવારનવાર ગાડી રોકીને ડીટેઇન કરવાની ધમકી આપવામાં આવતી હતી. જો કે આ વાતની જાણ થતાં ACBએ છટકું ગોઠવ્યું અને મામલતદારના કહેવાથી તેમના ડ્રાઇવર રૂપિયા 25 હજારની લાંચ લેતા પુનમ ઠાકોરને રંગેહાથ ઝડપી પાડ્યો છે. વલસાડમાં એસીબીએ પારડી તાલુકાના કલસર ગ્રામપંચાયતના સભ્ય અમ્રત પટેલને રૂપિયા 2000ની લાંચ લેતા ઝડપ્યો છે. જેમાં એસીબીના ફરિયાદી કલસર ગામના વડીયા ચાર રસ્તા પાસે બેસી છેલ્લા એક અઠવાડીયાથી બુટ, હેલ્મેટ વેચવાનો ધંધો કરી રહ્યા છે. આરોપી અમ્રત પટેલ ફરિયાદી પાસેથી અહીં ધંધો કરવા બેસવા માટે દર મહિને રૂપિયા 2000ની માંગણી કરી હતી. જેની જાણ થતાં એસીબીએ છટકું ગોઠવીને તેમને ઝડપી લીધો છે.
આ સિવાય અન્ય એક એસીબીએ પાટનગર ગાંધીનગરમાં ખાણ ખનીજ વિભાગના ડ્રિલર (નાકા ક્લાર્ક) પ્રહલાદ ચૌધરી સહીત અન્ય એક વ્યક્તિને રૂપિયા 16 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. ગાંધીનગરની ધણપ ચેકપોસ્ટ ખાતે ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓ દ્વારા સાદરા ખાતેથી પસાર થતાં રેતીના ટ્રેક્ટર ચાલકો પાસેથી લાંચ માંગવાની હકીકતના આધારે ગાંધીનગર એસીબીએ છટકું ગોઠવી આરોપીઓને ઝડપી લીધા હતા. આમ એક જ દિવસમાં ત્રણ ત્રણ સફળ ટ્રેપથી લાંચિયા સરકારી બાબુઓમાં ભય ફેલાયો છે. બીજી બાજુ નવા વર્ષની શરૂઆતથી જ ACBની કાર્યવાહીથી ભારે ચર્ચા જાગી છે. લોકોમાં પણ ચર્ચા જાગી છે કે જો ACB આવી જ રીતે કાર્યવાહી કરતું રહેશે તો મહદ અંશે ભ્રષ્ટાચાર પર અંકુશ લાગી શકશે.