Mysamachar.in-સુરત
રાજ્યમાં રચાયેલી નવી સરકાર ભલે ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવાની વાતો કરે પણ લાંચિયાઓ સરકારનું મને તો ને..? સુરતમાં વડીલોપાર્જીત જમીનમાં વારસાઇનું પેઢીનામુ કરવા માટે 30 હજારની લાંચ માગી શૌચાલયમાં સ્વીકારતા રેવન્યુ તલાટી સહિત બે ને એસીબીએ ઝડપી પાડ્યા છે. આ કેસમાં ફરીયાદીના પત્નીએ વડીલોપાર્જીત જમીનમાં વારસાઇ કરવાની હોવાથી તે અંગે પેઢીનામુ કરવા માટે સુરતની મજુરા રેવન્યુ તલાટીને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવામાં આવી હતી. જે અંગેનું પેઢીનામું રેવન્યુ તલાટી સાગર ચતુરભાઇ ભેસાણીંયા દ્વારા 26 ઓગસ્ટના રોજ તૈયાર કરવામાં આવ્યું હતું. આ ઓરિજનલ પેઢીનામુ આપવાના અવેજ પેટે રેવન્યુ તલાટી અને હિરેનકુમાર ગોસાઇભાઇ પટેલે રૂબરૂ મળી રૂ. 30,000ની લાંચની માંગણી કરી હતી. ત્યારબાદ સાગરે લાંચની રકમ હિરેનને આપવાનું કહ્યું હતું.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતાં ન હોય, સુરત ગ્રામ્ય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેથી લાંચના છટકાનું આયોજન કર્યું હતું. દરમિયાન સાગર અને હિરેને ફરીયાદી સાથે વાતચીત કરી રૂ. 30 હજારની લાંચની માંગણી કરી હતી. બંને આરોપીઓએ રૂબરૂમાં વાતચીત કરી ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી હતી. જેથી બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી મજૂરા રેવન્યુ તલાટીની ઓફિસની બાજુમાં આવેલ શૌચાલયમાં પકડાઈ ગયા હતા.