Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં લાંચ રૂશવતની બદીને અંકુશમાં લેવા માટે છેલ્લા કેટલાંક સમયથી ACB ને વ્યાપક સતાઓ અને સ્વતંત્રતા પણ આપવામાં આવી છે, તેથી આ વિભાગ અગાઉની સરખામણીએ થોડો વધુ સક્રિય બન્યો હોય એવું દેખાઈ રહ્યું છે, ફરિયાદોની તપાસ- અપ્રમાણસર સંપત્તિઓના કેસો વગેરેનું પ્રમાણ વધવા તરફ દોડી રહ્યાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં સરકારી વિભાગોમાં સાફસૂફી માટે તથા લાંચ રૂશવત શાખાની સક્રિયતા વધારવા માટે, થોડાં સમય અગાઉ ACB એ એક વોટ્સએપ નંબર 9099911055 પણ જાહેર કર્યો છે. ACB એ આ નંબર જાહેર કરીને રાજ્યના નાગરિકોને અનુરોધ કર્યો છે કે, ક્યાંય પણ સરકારી કર્મચારીઓ કે વચેટિયાઓ દ્વારા સરકારી કામોના બદલામાં લાંચની માંગ થતી હોય, એવા મામલાની ઓડિયો કે વીડિયો ક્લિપ જો કોઈ નાગરિક પાસે હોય અથવા આવે તો, નાગરિકો આ ક્લિપ ACBના જાહેર કરવામાં આવેલાં વોટ્સએપ નંબર પર આગળની કાર્યવાહીઓ માટે મોકલી શકે છે.
સૌના આશ્ચર્ય વચ્ચે, આ વોટ્સએપ નંબર જાહેર થતાં જ ACB ને આવી ઢગલાબંધ ઓડિયો અને વીડિયો ક્લિપ મળી રહી છે. ACB પણ ચોંકી ગયું છે. પરંતુ એક મોટી સમસ્યા એ છે કે, આ પ્રકારની ઓડિયો કે વીડિયો ક્લિપના આધારે ACB આ કામગીરીઓમાં ઝડપભેર આગળ વધી શકતું નથી. તેની પાછળ બે કારણો છે. પ્રથમ: આ પ્રકારની ઓડિયો કે વીડિયો ક્લિપની કવોલિટીઝ સારી હોતી નથી. બીજું: આ પ્રકારની ઓડિયો અને વીડિયો ક્લિપમાં માત્ર આક્ષેપ જ હોય છે, ACB તપાસ શરૂ કરી શકે એવો પુરાવો ભાગ્યે જ કોઈ ક્લિપમાં હોય છે.
ACB સૂત્રોના કહેવા અનુસાર, દર ચોવીસ કલાકમાં વિભાગને આવી 20-30 ક્લિપ મળી રહી છે, એટલે કે સરેરાશ કલાકે એક ક્લિપ વિભાગના વોટ્સએપ નંબર પર ઠલવાઈ રહી છે. જો કે આગળ કહ્યું તેમ, આ ક્લિપ પૈકી એકાદ બે ક્લિપમાં જ ACB તપાસની દ્રષ્ટિએ આગળ વધી શકે છે.
લોકો સારી કવોલિટી ધરાવતી અને કશાક આધાર પુરાવાવાળી ક્લિપ તંત્રને મોકલે તો આ વિભાગની કામગીરીઓ આસાન થઈ શકે, આક્ષેપિત વ્યક્તિ વિરુદ્ધ તપાસ શરૂ થઈ શકે, ગુનો સાબિત કરવામાં તંત્રને સરળતા રહે. જો કે ACB પોતાના અન્ય સોર્સના આધારે પણ પોતાની કામગીરીઓ કરતી હોય છે. પરંતુ લોકો તરફથી નવી અને વધુ વિગતો મળી શકે તો, તંત્રની કામગીરીઓ અને કાર્યવાહીઓ ઝડપી અને વધુ આસાન બની શકે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, હાલમાં ACB ને જે રજૂઆતો કે ક્લિપ મળી રહી છે, તે પૈકી મોટાભાગની ફરિયાદો પોલીસ વિભાગ સંબંધિત હોય છે. અને એમાં પણ ખાસ કરીને, રોડ પર ટ્રાફિક પોલીસ તથા TRB કર્મચારીઓ દ્વારા થતાં ઉઘરાણાંની ક્લિપ બનાવવી લોકો માટે વધુ સહેલું રહે છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, થોડા મહિનાઓ અગાઉ દીવ ચેક પોસ્ટ પરના ઉઘરાણાં સંબંધે ફરિયાદ અને રજૂઆતો મળતાં ACB એ સતત ત્રણ મહિનાઓ સુધી તપાસ કરી, સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કર્યા અને બાદમાં આધારપુરાવા સાથે લાંચિયા પોલીસ કર્મચારીની ધરપકડ કરી લીધી હતી. આ મામલામાં ACB એ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પરથી પણ પુરાવાઓ એકત્ર કર્યા હતાં. ફરિયાદો પણ સોશિયલ મીડિયા મારફતે જ મળી હતી.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, લાંચની મોટી રકમોની લેતીદેતીઓ અથવા નિયમિત રીતે હપ્તાના રૂપમાં લેવાતી લાંચના કેસો ભાગ્યે જ નોંધાતા હોય છે. અને, આ પ્રકારના આધારપુરાવા પણ ક્યારેક જ બહાર આવતાં હોય છે. પરચૂરણ કેસોની સંખ્યા વધુ પ્રમાણમાં હોય છે અને આવા કેસો પૈકી મોટાભાગના કેસ વર્ષો સુધી અદાલતોમાં પડતર રહે છે અને સજાઓ પણ બહુ જૂજ કેસમાં થતી હોય છે.