Mysamachar.in-જામનગર:
જામનગર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું હોવાનું ‘આપ’ના જિલ્લા અધ્યક્ષ વશરામભાઈ રાઠોડની યાદીમાં જણાવવામાં આવ્યું છે. વશરામભાઈ રાઠોડની યાદીમાં જણાવ્યા અનુસાર, હાલમાં ‘આપ’ના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીના માર્ગદર્શન મુજબ સમગ્ર ગુજરાતમાં પક્ષ દ્વારા ગુજરાત જોડો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લા પંચાયતની દરેક બેઠકના વિસ્તારોમાં જનસભાનું આયોજન ગોઠવવામાં આવ્યું છે.
આ આયોજનના ભાગરૂપે જામનગર નજીકના ખીમરાણાની જિલ્લા પંચાયત બેઠક હેઠળ ખીમરાણામાં જનસભા યોજવામાં આવી હતી. આ જનસભામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ઘણાં લોકોએ આમ આદમી પાર્ટીના ખેસ અને ટોપી ધારણ કરી પક્ષની વિચારધારાને અપનાવી છે. પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, જામજોધપુર ધારાસભ્ય હેમંત ખવા તથા જિલ્લા અધ્યક્ષ વશરામભાઈ રાઠોડના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરી, જામનગર તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ/ તા.પં. સદસ્ય/ પ્રમુખ, ખીમરાણા સેવા સહકારી મંડળી વિઠ્ઠલભાઈ માંડવિયા અને તેમની આગેવાનીમાં 200 જેટલાં ભાજપાના કાર્યકરો ‘આપ’માં જોડાયા છે, જેમાં જાંબુડા અને ખીજડીયાના આગેવાનોનો સમાવેશ થાય છે. આ આગેવાનો અને કાર્યકરો ‘આપ’માં જોડાતા કૃષિમંત્રીના વિસ્તારમાં મોટું ગાબડું પડયાનું વશરામભાઈ રાઠોડએ યાદીના અંતમાં જણાવ્યું છે.
