Mysamachar.in:અમદાવાદ
છેલ્લાં ઘણાં સમયથી એ ચર્ચા ચાલતી હતી કે, કોઈપણ ઉદ્યોગની નોંધણી માટે આધારકાર્ડ નોંધણી કરાવવી જરૂરી છે. પરંતુ ગુજરાત હાઇકોર્ટે આપેલાં ચુકાદા પછી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, આ કામ માટે આધારકાર્ડ નોંધણી ફરજિયાત નથી. થોડાં સમય પહેલાં MSMEs મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ઉદ્યોગની નોંધણી માટે આધારકાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. મંત્રાલયનાં આ જાહેરનામાને ગુજરાતની વડી અદાલતમાં જાહેર હિતની અરજી દાખલ કરીને પડકારવામાં આવ્યું હતું. આ મામલો ચાલવા પર આવતાં હાઈકોર્ટે MSMEs મંત્રાલયને આ અંગે સ્પષ્ટતા કરવા પૃચ્છા કરી હતી.
હાઈકોર્ટનાં આ નિર્દેશ બાદ મંત્રાલય દ્વારા હાઈકોર્ટમાં જવાબી સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આધારકાર્ડનો ઉપયોગ આ કિસ્સાઓમાં રજિસ્ટ્રેશન માટે નથી. પરંતુ OTP આધારિત વેરીફિકેશન માટે અથવા તો અધિકૃત વ્યક્તિ દ્વારા ઉદ્યમ રજિસ્ટ્રેશનનું ઓનલાઇન ફાઈલિંગ થઈ રહ્યું છે તેની ખરાઈ માટે જ છે. વધુમાં મંત્રાલયે જણાવ્યું હતું કે, આધારનંબર સ્ટોર પણ કરવામાં આવતો નથી અને UIDAI જોગવાઈ હેઠળ કોઈને આપવામાં પણ આવતો નથી.
સોગંદનામામાં કહેવાયું છે કે, આધારનંબર ન હોય તેવાં કિસ્સાઓમાં જો કોઈ ઉદ્યમ રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છે તેઓ સ્થાનિક જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની મદદ લઈ આસિસ્ટેડ ફાઈલિંગ ઓપ્શન મારફતે કેટલાંક દસ્તાવેજોને આધારે ઓનલાઇન ઉદ્યમ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ પ્રકારના કિસ્સાઓમાં આધારનંબરની જરૂરિયાત રહેતી નથી. મંત્રાલયનાં આ સોગંદનામા પછી ગુજરાત હાઇકોર્ટે આ PIL નો નિકાલ કર્યો છે.