Mysamachar.in-જામનગર:
જામનગર નજીક હાપા પાસે ભગીરથ ટ્રેકટરના શો-રૂમમાં ઉપર રહેલ એક યુવક પસાર થઇ રહેલ હાઈ ટેન્શન લાઈનને અડકી જતા મોતને ભેટ્યો છે, જો કે આ બનાવ સંદર્ભે બેડી મરીન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે જો કે, વાઈરલ થયેલ વિડીયોમાં પરિવારજનોએ શો-રૂમ સંચાલકની બેદરકારીથી યુવાનનો મોત થયાનો હોવાનો આક્ષેપ કર્યો છે. આ બનાવની વિગત એવી છે કે, હાપા સ્થિત ભગીરથ ટ્રેકટરના શો-રૂમમાં મિકેનીક તરીકે કામ કરતા જલાલખાન નિઝારખાન બલોચ નામના 21 વર્ષીય યુવાન ગઇકાલ સાંજે શો-રૂમની ઉપર ઇલેકટ્રીકનું કામ કરી રહ્યો હતો ત્યારે બાજુમાંથી પસાર થતી હાઇટેન્શન વીજલાઇનને હાથ અડી જતાં વીજશોક લાગાની ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું. બનાવની જાણ થતાં બેડી પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જયારે મૃતકના પરિવારજનોએ શો-રૂમના સંચાલક સામે આક્ષેપ કરતાં જણાવેલ કે મૃતક જલાલખાન આ શોરૂમમાં મિકેનીકનું કામ કરાતો હોવા છતાં સંચાલકોએ રૂપિયા બચાવવા માટે ઈલેકટ્રીકનું કામ ઈલેકટ્રીશ્યન પાસે કરાવવાના બદલે મિકેનીક પાસે કરાવેલ તેમજ શો-રૂમમાં ઓટોકટ સ્વિચ પણ કામ કરતી હોય સહિતની બેદરકારીથી યુવાનનું મૃત્યુ નિપજ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.જો કે પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવશે અને આ મામલે જો શોરૂમ સંચાલક સહીત જે કોઈની બેદરકારી હોય તો તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ થવી જોઈએ.
-શોરૂમ સંચાલકે કર્યો પોતાનો બચાવ….
આ અંગે રૂબરૂ પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે જ્યાં દુર્ઘટના ઘટી તે શોરૂમના સંચાલક હિતેશ પીપરોતર ને પૂછવામાં આવ્યું કે પરિવારજનોનો આક્ષેપ છે કે મૃતક કર્મચારી પાસે ના કરાવવાનું કામ પણ કરાવવામાં આવ્યું છે તે અંગે આપનું શું કહેવું છે તો તેણે જણાવ્યું કે અમારા ત્યાં કોઈ ફિક્સ નથી કે કોઈ કર્મચારી ફિક્સ કામ કરે બધા કામ બધા કર્મચારીઓ કરે છે અને મૃતક પણ તે જ રીતે કામ કરતા હતા.