Mysamachar.in-સુરત
આજના સમયમાં સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ થકી લોકો એકબીજાના સંપર્કોમાં અને ખાસ કરીને યુવકો અને યુવતીઓ એકબીજાના સંપર્કોમાં આવતા હોય છે, એવામાં કોઈ વખત આવા સંપર્કોમાં આવેલ સબંધોનો ખરાબ અનુભવો પણ થાય છે, આવો જ વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, સુરતના વરાછામાં રહેતી અને બ્યૂટી પાર્લર ચલાવતી પરિણીતાને સોશ્યલ મીડિયામાં મિત્રએ મુસીબતમાં મૂકી દીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશ્યલ મીડિયામાં બનેલા મિત્રએ ડુમસના બંગલામાં પાર્ટીનું આયોજન કરી મિત્રોની મદદથી પરિણીતાને ચિક્કાર દારૂ પીવડાવી દુષ્કર્મ ગુજારતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ મામલે જાણવા મળતી વિગતો મુજબ પીડિતા વરાછા વિસ્તારમાં રહેતી હોવાનું અને બ્યૂટી પાર્લર ચલાવતી હોવાનું જાણવા મળ્યું છે. 38 વર્ષિય પરિણીતાને બે વર્ષ પહેલા મનોજ વસોયા (રહે, વેસુ)એ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાંથી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી પરિચયમાં આવ્યો હતો. ત્યારબાદ 25 જાન્યુઆરી 2019માં મનોજે પરિણીતાના બ્યૂટી પાર્લર એકાઉન્ટ આઈડી ઉપર મેસેજ કરી તેના કૌટુંબિક મામાની ઓળખાણ આપી ગાઢ મિત્રતા કરી હતી. પરિણીતા અને મનોજ અવાર નવાર મોબાઈલ ઉપર વાતો કરતા હતા.
મનોજ વસોયાએ પરિણીતાને ડુમસના સુલતાનાબાદમાં આવેલા સાગર વિલા બંગલોમાં મળવા બોલાવી હતી. બંગલામાં મનોજ સાથે તેના મિત્ર પીન્ટુ, સંજય અને એક અન્ય યુવતી પણ હતી. જ્યાં તમામ મિત્રોએ દારૂની પાર્ટી કરી હતી. જેમાં પરિણીતાને પણ દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ મનોજ સહિત ત્રણેય જણાએ પરિણીતાને મોબાઈલમાં બિભત્સ ફોટા બતાવ્યા હતા અને સમાજમાં બદનામ કરી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી મનોજ વસોયાએ તેણી ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. બનાવ અંગે ગઈકાલે રાત્રે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય નરાધમ તેમજ પાર્ટીમાં હાજર મહિલા સામે દુષ્કર્મ અને મદદગારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.