Mysamachar.in-જામનગર:
ભારતીય ક્રિકેટજગતમાં ઉજળું નામ ધરાવતાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા (ધારાસભ્ય, જામનગર ઉતર) અને આ ઓલરાઉન્ડરના બહેન નયનાબા જાડેજા( મહિલા કોંગી અગ્રણી) એટલે કે, આ ભાભી-નણંદ વચ્ચે લાંબા સમયથી, થોડા થોડા સમયે શાબ્દિક યુદ્ધ ખેલાતાં રહે છે, જેની ચર્ચાઓ અવારનવાર મીડિયાકર્મીઓને મસાલો પૂરો પાડતી રહે છે. હાલમાં વધુ એક વખત આમ બન્યું છે. ભાભીના નિવેદન બાદ નણંદ ફેસબુકના માધ્યમથી મેદાનમાં આવ્યા છે અને શાબ્દિક ફટકાઓ લગાવ્યા છે, જેને પરિણામે ‘આ મેચ’ વધુ એક વખત રોચક બન્યો છે.
આ વખતે મામલો રામમંદિરથી શરૂ થયો અને છેક સંસ્કાર સુધી પહોંચ્યો. મીડિયાકર્મીઓ સમક્ષના રિવાબાના એક નિવેદન બાદ, નયનાબા બોલ્યા છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, દેશભરમાં રામમંદિર મુદ્દે બંને પક્ષો વચ્ચે જુબાની જંગ ખેલાતાં રહે છે. કેમ કે, આગામી સમયમાં લોકસભા ચૂંટણીઓ આવી રહી છે. જામનગરમાં ગુરૂવારે ધારાસભ્ય રિવાબાએ પોતાના એક અન્ય કાર્યક્રમમાં રામમંદિર મુદ્દે પત્રકારના પ્રશ્નના ઉત્તરમાં એમ કહેલું કે, ધર્મ રાજનીતિથી પર વિષય છે. રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સૌએ જોડાવું જોઈએ. તેઓએ એમ પણ કહ્યું કે, આ કાર્યક્રમ કોઈ વ્યક્તિ વિશેષ કે પાર્ટી વિશેષનો કાર્યક્રમ નથી, આમ છતાં તેઓએ આ નિવેદનમાં વડાપ્રધાનનો ઉલ્લેખ કર્યો અને મંદિરના 500 વર્ષ જૂના વિવાદ અથવા લડાઈનો પણ બિનજરૂરી રીતે ઉલ્લેખ કર્યો અને આડકતરી રીતે કોંગ્રેસને નિશાના પર પણ લીધી. જયાંથી ભાભી-નણંદ વચ્ચેના હાલના આ વિવાદના બીજ રોપાયા.
રિવાબાએ કહેલું તે બધું દિવસભર મીડિયામાં ચાલતાં,બાદમાં નયનાબા ફેસબુકના માધ્યમથી મેદાનમાં આવ્યા અને ફટકાબાજી શરૂ કરી. તેઓએ પોતાના નિવેદનમાં ધારાસભ્ય શબ્દનો ઉપયોગ કર્યો અને છોટી કાશીનો શબ્દનો પણ ઉપયોગ કર્યો. છોટીકાશી શબ્દ જામનગર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અહીંથી વિવાદ શરૂ થયો.
નયનાબાએ રિવાબાનું નામ લીધાં વિના કહ્યું: અધૂરાં મંદિરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ન થાય, એવો શાસ્ત્રોનો મત છે, અને સાધુ સંતો તથા ખુદ શંકરાચાર્યો પણ આ પ્રકારના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વિરોધ કરે છે. એવા સમયે કોઈએ ધર્મ અને સંસ્કારની વાતો અન્યોને કહેવી જોઈએ નહીં. તમારામાં સંસ્કાર નથી. ધર્મ અને સંસ્કારની વાતો તમને ન શોભે. (જો કે આ નિવેદનમાં તેવોએ છોટીકાશી અને ધારાસભ્યનો સૂચક ઉલ્લેખ કર્યો છે માટે જાણકારો અને તજજ્ઞો આ બાબતને સમજી શકે છે)
રિવાબાના નિવેદન બાદ નયનાબાનું આ જાહેર નિવેદન પ્રતિભાવના અર્થમાં બહાર આવતાં સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ સહિત મેઈન સ્ટ્રીમ મીડિયામાં પણ ભાભી-નણંદ એપિસોડ વધુ એક વખત હોટ ટોપિક બન્યો છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જાડેજાના ધારાસભ્ય પત્ની આ રીતે એક કરતાં વધુ વખત અલગ અલગ ચર્ચાઓમાં આવી ચુક્યા છે, અને ચૂંટાયા ત્યારથી હંમેશા ચર્ચાઓમાં રહ્યા છે. જેને કારણે પક્ષ પણ ચર્ચાઓમાં આવે છે. હાલનો આ વિવાદ અહીં જ શમી જશે, કે.?