Mysamachar.in-અમદાવાદ:
પતિ અને પત્ની વચ્ચેના સંબંધોને અનેક પરિમાણો અને પરિણામો હોય છે, કેટલાંક કિસ્સાઓ વર્ષો સુધી અદાલતોમાં ચાલ્યે રાખતાં હોય છે, ઘણાં કિસ્સાઓમાં કાનૂની જંગમાં વૃદ્ધત્વ પણ ઉમેરાતું હોય છે અને ઘણી વખત મામલો એક અલગ ત્રિભેટે આવીને ઉભો રહી જતો હોય છે, આવો એક મામલો હાલ વડી અદાલતમાં છે.
આ મામલામાં પતિનું નામ જગદીશ અને પત્નીનું નામ જયબાળા(અહીં પાત્રોના નામો બદલવામાં આવ્યા છે). જગદીશભાઈએ પોતાની 67 વર્ષની વયે અદાલતમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. એક વખત એવું બનેલું કે, આ દંપતિ પોતાના મિત્રદંપતિઓ સાથે ક્યાંક ફરવા ગયેલું. તે સમયે આ મહિલા મિત્રોમાં કોઈની સાથે ભળતા ન હતાં, ચૂપચાપ બેસી રહેતાં, અને તેથી તેઓ પોતાના પતિને ગામડિયણ લાગ્યા હતાં, આથી નારાજ થઈ પતિએ પત્નીથી કાયમ માટે છૂટાં પડવાનું નક્કી કરી, છૂટાછેડા માટે અરજી કરેલી. ત્યારે, પતિની ઉંમર 67 વર્ષની હતી. જો કે ત્યારે મહિલાએ પતિને છૂટાછેડા આપવાની ના કહેલી.
ત્યારબાદ આ દંપતિને છૂટાછેડા હજુ સુધી મળેલ નથી. પતિ પત્ની અલગ રહે છે. પત્ની પોતાના ભત્રીજાને ત્યાં રહે છે. આ 13 વર્ષ દરમિયાન વૃદ્ધ પતિ બે ત્રણ વખત પત્નીને મળવા, પત્નીના ભત્રીજાને ઘરે ગયા હતાં પરંતુ તેમણે મળવા દેવાનો ધરાર ઈન્કાર કરી, દર વખતે આ વૃદ્ધને પાછાં કાઢેલા.
આ દંપતિના જીવનમાં અગાઉ પણ કેટલીક ઘટનાઓ બની હતી. આ દંપતિને ત્યાં અગાઉ બે સંતાન હતાં. જુદાં જુદાં કારણોસર એ બંને સંતાનો મૃત્યુ પામેલાં. ત્યારબાદ પતિ જગદીશભાઈ ખૂબ જ ડિપ્રેશનમાં જતાં રહ્યા હતાં. ત્યારથી આમ તો તેમને પત્ની પ્રત્યે અણગમો રહેતો હતો. જો કે, આ સ્થિતિમાં પણ પત્નીએ પતિની સારવાર નિષ્ણાંત તબીબ પાસે કરાવેલી અને 6 વર્ષ બાદ પત્નીએ ઘરનિભાવ માટે નોકરી શોધી લીધી હતી.
હાલ આ વૃદ્ધ પતિની ઉંમર 80 વર્ષની છે. છૂટાછેડાની અરજીના 13 વર્ષ બાદ હવે એમણે પત્નીનો કબજો મેળવવા વડી અદાલતમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી છે. કારણ કે, પત્નીના ભત્રીજા આ પતિ પત્નીને મળવા દેતાં નથી. પત્ની પોતાના ભત્રીજાને ત્યાં રહે છે. ભત્રીજાના માતાપિતા હૈયાત નથી.
આ મામલામાં અદાલતે આ વૃદ્ધને એવી ટકોર કરી છે કે, લગ્નજીવનમાં પાર્ટનરની ખરી જરૂરિયાત વૃદ્ધાવસ્થામાં રહે છે. વ્યક્તિ કંઈ પણ કરી શકવા અસમર્થ થઈ જાય છે ત્યારે તેમની વાત સાંભળવા એક વ્યક્તિ જોઈએ છે. તમારી ઈચ્છા અનુસાર કોર્ટને જો નિર્ણય લેવો હોય તો, તમારાં પત્નીની ઈચ્છા અને મંજૂરી જાણવી જરૂરી છે. અદાલતે આ વૃદ્ધના પત્નીને નોટિસ મોકલાવી દીવાળી બાદ આ કેસની સુનાવણી નક્કી કરી છે.(symbolic image source:google)