Mysamachar.in-જામનગર
ભેજાબાજ ગઠિયાઓ કોઈને કોઈ રીતે સામેવાળા લોકોને શીશામાં ઉતારી દઈ અને છેતરપીંડીની ઘટનાઓ સામે આવતી રહે છે.આવી જ વધુ એક ઘટના પંચ બી ડીવીઝન પોલીસ મથકમાં વેપારીએ ફરિયાદ નોંધાવતા સામે આવી છે, આ અંગે જાહેર થયેલ વિગતો પર નજર કરવામાં આવે તો…
જામનગર શહેરના મિગ કોલોનીમાં વસવાટ કરતા વેપારી મુકેશ હરખલાલ શાહએ પંચકોશી બી ડીવીઝનમાં ગઇકાલે રાજસ્થાનના જયપુર ખોરા હાઇવે રોડ, અંબર કુકાશ ખાતે બકતાકીધાની ઓફીસ નં. 88 ખાતે વિનોદ ટ્રેડર્સના પ્રોપ્રાઇટર વિનોદભાઇ તથા મુંબઇના દલાલ મુન્નાભાઇ તથા તપાસમાં જે નામ ખુલે તેની સામે આઇપીસી કલમ છેતરપીંડી વિશ્વાસઘાત અને મદદગારી સહિતની કલમો મુજબ ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદી મુકેશ શાહ મેકસીકો મેટલ ઇમ્પેક્ષના નામથી વેપાર ધંધો કરે છે, આરોપીઓએ ફરીયાદીનો વિશ્વાસ કેળવ્યા બાદ દલાલ ફરીયાદીના કારખાને આવ્યો હતો અને માલ આપવાની ડીલ કરી એડવાન્સમાં રુા. 1 લાખ લીધા હતા, ત્યારબાદ નકકી થયા મુજબ ફરીયાદી મુકેશભાઇને જયપુર ખાતે બોલાવ્યા હતા, જયાં તેમને ઓરીજીનલ માલના બદલે ડુપ્લીકેટ માલ આપી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ફરીયાદી સાથે 59 લાખની રકમ પડાવી લઇ વિશ્વાસઘાત છેતરપીંડી આચરી હતી.
ફરીયાદીના મેકસીકો મેટલ ઇમ્પેક્ષ કારખાને દલાલ મારફત ગત ફેબ્રુઆરી 2023 થી 31 માર્ચ 2023ના સમયગાળા દરમ્યાન કાચી ધાતુ બાબતે વાતચીત અને ડીલ થઇ હતી.એ પછી માલ અંગેનો વહિવટ થયો હતો જેમાં ફરીયાદીએ અગાઉ મોબાઇલ મારફત 28 લાખ અને એ પછી આંગડીયા મારફત બાકીની રકમ મોકલી હતી જો કે નકલી માલ હોવાનું સામે આવતા અને આરોપીઓનો મોબાઇલથી કોન્ટેક નહીં થતા પોતે છેતરાયા હોવાનું ઘ્યાન પર આવ્યુ હતું અને આખરે મામલો પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. ફરીયાદના આધારે પંચ બી પોલીસ સમગ્ર મામલાની તપાસ શરુ કરી છે.