Mysamachar.in-
દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં વાયનાડ ખાતે ગત્ સપ્તાહમાં મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ. 4 ગામો ભૂસ્ખલન અને ભારે વરસાદમાં તણાઈ ગયા, 400 જેટલાં લોકોના મોત થયા અને 250થી વધુ લોકો લાપતા છે. યોગાનુયોગ, આ દુર્ઘટના સર્જાઈ તેના 24 જ કલાકમાં કેન્દ્ર સરકારે દેશના ઈકો સેન્સિટવ ઝોન અંગેની જાહેરાત કરી અને આ પ્રકારના સ્થળોના સંરક્ષણ અંગે ચિંતાઓ વ્યક્ત કરી.
કેન્દ્ર સરકારે દેશભરના ઈકો સેન્સિટીવ ઝોનની જાહેરાત કરી છે. જે ટૂંકમાં ઈએસઝેડ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 27 ઈએસઝેડ જાહેર થયા. જેમાં હાલારના કેટલાંક સ્થળોના નામોની પણ જાહેરાત થઈ છે. આ પ્રકારના સ્થળોએ હવે પછીના સમયમાં નવા ઝોનલ પ્લાન અમલમાં આવશે.
હાલારના દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (જામનગર અને દ્વારકા) , દરિયાઈ અભ્યારણ્ય, બરડો ડુંગર અને ખીજડીયા પક્ષી અભયારણ્ય એમ કુલ 4 સ્થળનો આમાં સમાવેશ થાય છે. ગુજરાતમાં વન અને વન્ય જીવોના વિસ્તારોને ફરતે આવેલાં વિસ્તારો ઈકો સેન્સિટીવ ઝોન તરીકે જાહેર થયેલાં છે. આ વિસ્તારોમાં પર્યટન, માનવજીવન અને વન્ય જીવન એમ ત્રણેય પ્રવૃતિઓ એકમેકને અવરોધે નહીં, નડે નહીં એ પ્રકારના આયોજન માટે ઝોનલ માસ્ટર પ્લાનિંગ કરવામાં આવશે.
રાજ્યના વન પર્યાવરણ વિભાગે આ માટે અધિક મુખ્ય સચિવના અધ્યક્ષપદે 14 સભ્યોની સમિતિની રચના કરી છે. ભારત સરકારના વન પર્યાવરણ વિભાગે ઝોનલ પ્લાન અમલી બનાવવા આદેશ કરતાં રાજ્ય સરકારે આ સમિતિ બનાવી છે. રાજ્યમાં કુલ 27 આરક્ષિત વિસ્તારો છે, જે પૈકી 4 હાલારમાં આવેલાં છે. આ 27 પૈકી 23 વિસ્તારોના ઈએસઝેડ 2019 પહેલાં જ આખરી થઈ ગયા છે, 4 નો નિર્ણય બાકી છે.
આ પ્રકારના વિસ્તારોની અંદર વન્ય અને માનવજીવન વચ્ચે બેલેન્સ રાખી આર્થિક નિર્વાહની પ્રવૃતિઓ જેવી કે ખેતી, પશુપાલન અને આવાસ નિર્માણ વગેરે માટે મંજૂરીઓ મેળવવા લાંબા સમયથી માંગણી ઉઠી રહી છે. આવા કેટલાંક વિસ્તારોમાં તો આખેઆખા ગામડાંઓ આવેલાં છે, આ સ્થળોએ માનવ સમૂહ માટે જીવન અને નિર્વાહના પ્રશ્નો ઉઠ્યા છે. આથી આવા પ્રકારના વિસ્તારોમાં કેવા પ્રકારની આર્થિક પ્રવૃતિઓ થઈ શકે તે નક્કી કરવા ઝોન પ્લાન બનશે.
સરકાર દરેક સંબંધિત જિલ્લા માટે આવો પ્લાન બનાવી લીધાં બાદ વિચારણાઓ માટે તે પ્લાનને જિલ્લા કક્ષાની મોનિટરીંગ કમિટી સમક્ષ મૂકશે. આ કમિટી વિચારણાઓ કરીને ડ્રાફ્ટ તૈયાર કરશે, જે સ્ટેટ લેવલ કમિટી સમક્ષ જશે અને ત્યાંથી મંજૂરી મળી ગયા બાદ તે ડ્રાફ્ટના આધારે ઝોનલ પ્લાન બનશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગીર અને તેની આસપાસના આ પ્રકારના 4 ઝોનના પ્લાન ફાયનલ થયા નથી. વર્ષ 2016માં આ માટે જાહેરનામું પ્રસિધ્ધ થયેલું- આજની તારીખે આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી. કેમ કે, સરકારના આ જાહેરનામા વિરુદ્ધ વડી અદાલતે મનાઈહુકમ આપેલો હતો. તાજેતરમાં આ સ્ટે દૂર થતાં દરખાસ્ત તૈયાર થઈ છે, જે ભારત સરકાર સમક્ષ પડતર છે.