Mysamachar.in:અમદાવાદ
જૂના જમાનામાં કહેવત હતી કે, કોઈ રાજાશાહી સ્ટેટમાં કોઈ મોટો ગાંધી એટલે કે વેપારી અને તે સ્ટેટનો વૈદ એટલે કે સૌથી મોટો ડોકટર સંપી જાય તો, ગાંધી-વૈદનું સહિયારું એ કહેવત અનુસાર બેયનો ધંધો જબરો હાલી નીકળે ! આ જ મોડસ ઓપરેન્ડી ક્રાઈમની દુનિયામાં પણ ચાલતી હોય શકે ! આવું એક ઉદાહરણ સામે આવ્યું છે, ‘ઠગ’ અને પોલીસકર્મી બેયની ધરપકડ થઈ છે. બંને ભાગીદારીમાં ધંધો કરતાં હતાં, પોલીસકર્મી કોલ ડિટેઈલ પૂરી પાડે અને ઠગ એ શિકારને પલોટી લ્યે !
આ ઠગનું નામ અમિતસિંઘ છે. જે પોતાને સાયબર એક્સપર્ટ લેખાવે છે. બની બેઠેલો નિષ્ણાંત. તેની બુદ્ધિ એટલી તીવ્ર કે, પાટનગર ગાંધીનગરમાં આવેલી પોલીસ ટ્રેનિંગ એકેડમીના સંચાલકોને પણ પોતાની વાતોમાં ભોળવી લીધાં અને સાયબર ક્રાઈમ કેવી રીતે શોધી કાઢવા ? તે અંગેનું લેક્ચર પોલીસ અધિકારીઓને આપી આવ્યો ! આ શખ્સ પોતે જ સાયબર ક્રાઈમ ‘અપરાધી’ છે ! પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. અમિતસિંઘ નામનો આ ગુનેગાર પોલીસની મદદથી ગુનાઓ આચરતો હોવાનું પોલીસ તપાસ દરમ્યાન બહાર આવ્યું છે. એક પોલીસકર્મી આ ગુનેગારને વેપારીઓ અને ઉદ્યોગપતિઓ જેવા તંદુરસ્ત બકરાંઓની કોલ ડિટેઈલ પૂરી પાડતો. જેમાંથી આ ઠગ બકરો શોધી લ્યે અને શિકાર કરે !
આ ઠગને શિકારની કોલ ડિટેઈલ પૂરી પાડનાર પોલીસકર્મીનું નામ વિનય કથિરીયા છે, તેની પણ ધરપકડ થઈ ગઈ છે. તે અમદાવાદ DCP ઝોન ફાઈવનો પોલીસકર્મી છે. અમિતસિંઘ પોતાને સાયબર એક્સપર્ટ ગણાવી શ્રીમંતો પાસેથી નાણાં મેળવી લેતો હતો. આ નાણાં મેળવવા તે, વિનયે આપેલી કોલ ડિટેઈલનો ઉપયોગ કરતો. જેના આધારે તે વેપારીઓ અને ઉદ્યોગપતિઓને બ્લેકમેલ કરતો. વિનય ટેક્નિકલ સ્ટાફમાં હોવાથી આસાનીથી બકરાંઓની કોલ ડિટેઈલ મેળવી લેતો હતો ! સામાન્ય રીતે, કોલ ડિટેઈલ મેળવવી અઘરી હોય છે કેમ કે, તેમાં જો ઉચ્ચ પોલીસ અધિકારીની મંજૂરી હોય તો જ સંબંધિત ટેલિકોમ કંપની જેતે વ્યક્તિની કોલ ડિટેઈલ પોલીસને પૂરી પાડે. આ પ્રકરણમાં પોલીસને એવી પણ શંકાઓ છે કે, અમદાવાદના મોટા માણસોની આ રીતે જાસૂસી પણ થઈ હોય શકે !! કલ્પના કરો,આ આખો મામલો કેટલો ગંભીર હોય શકે ?!