Mysamachar.in-જામનગર:
રાજ્યના સરકારી શિક્ષણમાં આટલી બધી સમસ્યાઓ શા માટે છે ?! આવો પ્રશ્ન કોઈ પણ વ્યક્તિને થાય એવી ચિંતાપ્રેરક સ્થિતિઓ જોવા મળી રહી છે. સરકારને યુવાઓની રોજગારી અંગે ચિંતાઓ નથી અને આખી જિંદગી જેમણે સરકારમાંથી પગારની કમાણી કરી હોય અને પછી નિવૃત થયા હોય, એવા નિવૃત કર્મચારીઓને સરકાર શિક્ષણ વિભાગમાં ફરીથી નોકરીઓ આપી રહી છે ! જેને કારણે લાખો બેરોજગાર યુવાઓમાં નારાજગીઓ વધી છે.
આ હકીકત એવી છે કે, સરકારના નવા નિર્ણય અનુસાર કાયમી શિક્ષકોની અને જ્ઞાનસહાયકોની નિમણૂંકો બાદ પણ જે શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી રહી છે તે જગ્યાઓ પર નિવૃત શિક્ષકોને ફરીથી હંગામી નોકરી આપવામાં આવશે. આ ભરતીઓ માનદ વેતનથી કરવામાં આવશે. આ વચગાળાની વ્યવસ્થાઓ છે, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આ નિર્ણયનો અમલ કરવામાં આવશે. જે નિવૃત શિક્ષકની વય 62 વર્ષથી વધુ ન હોય તેને આ કામગીરીઓ સોંપવામાં આવશે. બદલીઓ અથવા ભરતીથી જ્યાં સુધી કાયમી શિક્ષક કે જ્ઞાન સહાયકની નિમણૂંક ન થાય ત્યાં સુધી કામગીરીઓ કરવાની રહેશે અને શૈક્ષણિક વર્ષના અંતે આ શિક્ષકોને છૂટા કરવામાં આવશે.
-શિક્ષક સંઘના રાજ્ય પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે…
સરકારના ઉપરોકત નિર્ણય અનુસંધાને પ્રતિક્રિયા આપતાં રાજ્ય શિક્ષક સંઘ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ Mysamachar.in ની વાતચીતમાં જણાવ્યું કે, શિક્ષણ સાથે ચેડાં થઈ રહ્યા છે. તાજેતરમાં સરકારે શિક્ષકોની જે ભરતીઓ કરી છે તે પણ પૂરતી નથી. શાળાઓમાં શિક્ષકોના મહેકમની 60 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે ત્યારે, ખાલી જગ્યાઓ પૈકી માત્ર 33 ટકા જગ્યાઓ પર જ ભરતીઓ થઈ છે. અગાઉ શિક્ષણ વિભાગમાં એકસાથે 15-15 હજાર લોકોની ભરતીઓ થતી અને હવે પાંચ હજારની ભરતીઓમાં પણ ભારે વિલંબ કરવામાં આવે છે, જેની અસરો શિક્ષણ પર પડે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, એક તરફ લાખો બેરોજગારો શિક્ષક તરીકે નોકરી મેળવવા પ્રયાસો કરી રહ્યા છે ત્યારે નિવૃત શિક્ષકોની આ રીતે ભરતીઓ કરવાનો નિર્ણય વાજબી નથી. લાયક ઉમેદવારો માટે ઉંમર વગેરેમાં છૂટછાટ આપી મોટેપાયે ભરતીઓ કરવી જોઈએ. અથવા લાયક ઉમેદવારો ન મળે તો બી.એડ.કે પીટીસી થયેલાં બેરોજગાર ઉમેદવારોને નોકરીની તકો આપવી જોઈએ. આ સમગ્ર વિષય અંગે દિગ્વિજયસિંહ જાડેજાએ સરકારને વિનંતી અને અનુરોધ કર્યો છે.