જામનગરમાં ગઈકાલે રવિવારે ગણેશ વિસર્જન સમયે એક પરિવાર વેરણછેરણ બની ગયો. એક યુવાન અને તેના 2 દીકરાઓ પાણીમાં ડૂબી ગયા. જો કે આ ગણેશ વિસર્જન પ્રોસેસ પ્રતિબંધિત સ્થળે કરવામાં આવી હતી, જેથી ત્યાં સુરક્ષા કે બચાવની કોઈ વ્યવસ્થાઓ ન હતી. આ કરૂણ બનાવે શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી છે.
આ કરૂણ બનાવની પોલીસમાં નોંધાયેલી વિગતો એવી છે કે, જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં આવેલાં જલારામ પાર્ક શેરી નંબર 1 માં પ્રિતેશભાઈ દિલીપભાઈ રાવલ(37, જાતે કુંભાર)નો પરિવાર વસવાટ કરે છે, આ પરિવાર ગઈકાલે રવિવારે બપોરના સમયે જામનગર નજીકના નાઘેડી પાસે આવેલાં લહેર તળાવ ખાતે ગણેશ વિસર્જન માટે ગયેલો ત્યારે આ કરૂણાંતિકા બની. આ અંગે રવિવારે રાત્રે સવા નવ આસપાસ પોલીસમાં અકસ્માત મોતની નોંધ થઈ છે.
લહેર તળાવમાં પ્રિતેશભાઈ દિલીપભાઈ રાવલ, તેનો 16 વર્ષનો પુત્ર સંજય અને 4 વર્ષનો નાનો દીકરો અંશના ડૂબી જવાથી મોત થતાં જામનગરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક પ્રિતેશભાઈના પત્ની જલ્પાબેને આ વિગતો પોલીસમાં જાહેર કરી છે. આ કમનસીબ બનાવની જગ્યા પર અને હોસ્પિટલ ખાતે જલ્પાબેને ખૂબ જ આક્રંદ વ્યક્ત કર્યું પરંતુ જે બની ગયું તે ખૂબ અસહ્ય રહ્યું.
જો કે અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જામનગર મહાનગરપાલિકાએ આ પ્રકારની દુર્ઘટનાઓ ટાળવા અને પર્યાવરણની રક્ષા માટે દર વર્ષ માફક આ વર્ષે પણ બે જગ્યાઓ પર કૃત્રિમ વિસર્જન કુંડની વ્યવસ્થાઓ કરેલી છે જ અને અન્ય જગ્યાઓ પર ગણેશ વિસર્જન પ્રોસેસ કરવા પર મનાઈ હોવા છતાં આ કમભાગી પરિવાર લહેર તળાવ ખાતે વિસર્જન માટે પહોંચ્યો અને સમગ્ર પરિવાર વેરણછેરણ બની ગયો.