Mysamachar.in-અમદાવાદ;
બટેટું આમ જૂઓ તો બિચારું છે, મોટાભાગના શાક સાથે તેને ઉમેરી દેવામાં આવે છે. અને લાખ્ખો લોકો એવાં પણ છે જેઓ હોંશે હોંશે, રોજ એકલાં બટાટાંનું શાક આરોગે છે. અને, પ્રસંગોમાં પણ ઘરધણી બટાટાં પર ઓળઘોળ થઈ જઈ, મહેમાનોને બટાટાંનું સ્વાદિષ્ટ શાક ખવડાવવામાં ગૌરવ અનુભવતો હોય છે. બટાટાં પુરાણ લાંબુ છે પણ તમે માત્ર એટલું જ જાણો- બટેટું ઝેર છે, તેને મોઢે ન ચડાવો.
જામનગર સહિત સમગ્ર રાજયમાં ગટરોનાં ગંદા પાણી રોજ અબજો લિટર નીકળે છે. આ પાણી ઝેર હોય છે, જે બટાટાં મારફતે તમારાં પેટમાં જાય છે !! આ ઉપરાંત વાડીખેતરોમાં સારાં પાણી પાઈને ઉછેરવામાં આવતાં બટાટાં પણ અમૃત નથી, ઝેર છે. કેમ કે, આ બટાટાં પર 25થી વધુ પ્રકારની જોખમી, ઝેરી અને પ્રતિબંધિત જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે !! બટેટું ખાવાનું બંધ કરવું પડે એવી સ્થિતિ છે !!
બટાટાં વરસ દરમિયાન કાયમ સસ્તાં હોતાં નથી. આપણે ઉંચો ભાવ ચૂકવીને પણ આ ઝેર ખરીદીએ છીએ અને ખાઈએ છીએ. બટાટાંનો પાક વાવીને રોકડી કરતાં ખેડૂતો આ પાક પર કેટલાંક પ્રતિબંધિત જંતુનાશકોનો છંટકાવ કરે છે. એક વિગત એવી છે કે, બટાટાંના બીજનું વાવેતર થાય ત્યારથી પાક તૈયાર થાય ત્યાં સુધીમાં તેના પર 25 જાતના જંતુનાશકોનો છંટકાવ થતો હોય છે !!
જે શાકભાજી પર આટલાં મોટાં પ્રમાણમાં જંતુનાશકોનો છંટકાવ થતો હોય તે શાકભાજી ખોરાકમાં લેવા હિતાવહ નથી એવો તબીબોનો મત છે પરંતુ હકીકત એ છે કે, આ રોકડિયો પાક વધુને વધુ રૂપિયા કમાવી આપે એ માટે ઉત્પાદન વધારવા ખેડૂતો પ્રતિબંધિત જંતુનાશકોનો બેફામ ઉપયોગ કરે છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, બટાટાંની ખેતીમાં મલ્ટીનેશનલ અને નેશનલ કંપનીઓ રસ લેતી થઈ છે તેને કારણે ખેડૂતો પુષ્કળ બટાટાં વાવે છે અને ચિક્કાર આવકો મેળવે છે. ઉત્પાદન વધારવા ઝેરનો ઉપયોગ થાય છે.
ગુજરાતમાં બટાટાંની અપ્રમાણિત જાતોનું ઉત્પાદન થાય છે. જેની કવોલિટી તળિયે હોય છે, ઉત્પાદન વધુ મળે છે. અને આ પ્રકારના બટાટાં ચેક કરવા માટે રાજયમાં કોઈ વ્યવસ્થા જ નથી ! ગંદા શાકભાજીની યાદીમાં બટાટાનો સમાવેશ થાય છે. તેથી વિદેશોના વેપારીઓ હવે ભારતના બટાટાં ખરીદતાં નથી. કારણ કે, આ બટાટાંની કવોલિટી ડાઉન હોય છે અને આરોગ્યની દ્રષ્ટિએ આ બટાટાં સલામત નથી !! બટેટું મોટું કરવા એસિડ અને આલ્કોહોલનો છંટકાવ થાય છે, જે માણસના આરોગ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જે શાકભાજી તથા ફળમાં સૌથી વધુ જંતુનાશક હોય છે તેમાં બટાટાં ઉપરાંત ભીંડા, કોબી, પાલક, ફ્લાવર, ટામેટાં, સફરજન અને દ્રાક્ષનો સમાવેશ થાય છે.
-આ આંકડા પણ જાણો…..
ગુજરાતમાં 12 વર્ષ અગાઉ બટાટાંનો વાવેતર વિસ્તાર 53,000 હેકટર હતો. અને 10.50 લાખ ટન ઉત્પાદન હતું. એક હેકટરે 22,000 કિલોગ્રામ બટાટાં પાકતાં. વર્ષ 2022-23 માં વાવેતર વિસ્તાર વધીને 1,31,000 હેકટર થયો. ઉત્પાદન 41.65 લાખ ટન થયું. સૌથી વધુ વાવેતર ઉતર ગુજરાતમાં થાય છે. મોટું બટેટું કંપનીઓ ખરીદી લ્યે છે, અને નાનું ભંગાર બટેટું લોકો ઉંચા ભાવે ખરીદીને હોંશે હોંશે ખાય છે, જે ઝેર હોય છે !!