Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારમાં તાજેતરમાં જીવલેણ હુમલા તથા મારી નાખવાની ધમકી સબબના ગંભીર ગુના અંગે એજાજ રજાક સંઘાર નામના શખ્સ સામે અગાઉ સલાયા મરીન પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 307, 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.જેના અનુસંધાને પોલીસે જે-તે સમયે તેની ધરપકડ કરી, જેલ હવાલે થયા બાદ આ શખ્સ થોડા સમય પૂર્વે જામીન મુક્ત થયો હતો. આ જામીન મુક્તિની શરતમાં તેને ત્રણ મહિના સુધી સલાયામાં પ્રવેશ કરવો નહીં તે બાબત સ્પષ્ટ પણે જણાવવામાં આવી હતી. તેમ છતાં પણ આ શખ્સ રાત્રીના આશરે ત્રણેક વાગ્યે પોતાના મેઈન બજાર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં આવ્યો હોવાની જાણ સ્થાનિક પોલીસ સ્ટાફને થતા…
સલાયા મરીન પોલીસ મથકના પી.આઈ. અક્ષય પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા નિયમનું ઉલ્લંઘન કરવા બદલ તેના ઘરે જઈ અને અટકાયત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ ઉપરોક્ત દ્વારા પોતાની પાસે રહેલી છરી સાથે લઈ અને નાસવાનો પ્રયાસ કરતા પોલીસે તેને ઝડપી લીધો હતો. આ શખ્સ સામે સલાયા મરીન પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે, અત્રે ઉલ્લેખનીય છે કે વિવિધ ગુનાઓમાં ઝડપાયેલો ઉપરોક્ત શખ્સ પોલીસના જાપ્તામાંથી નાસી જવા સહિતના ગુનામાં સાથે તેના ઉપર વધુ એક ગુનો સલાયા પોલીસમાં નોંધવામાં આવ્યો છે. હાલ તેને પુનઃ જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.