Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકાના દરિયા મારફતે હેરાફેરી થતા અગાઉ ઝડપાયેલા ડ્રગ્સ બાદ આજરોજ ચઢતા પહોરે પોલીસને દરિયાકાંઠા વિસ્તારમાંથી રૂપિયા 44.85 લાખની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો છે. જો કે આ માદક પદાર્થ મંગાવનારા તથા સપ્લાયરો પોલીસને ન મળી આવતા આ અંગે એસ.ઓ.જી. પોલીસે ધોરણસર ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી. દ્વારા ગતરાત્રિના હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન દ્વારકા વિસ્તારમાં આવેલા શાંતિનગર ખાતેની એક હોટલ નજીકના બીચની સામેના દરિયાકાંઠા નજીક પહોંચતા રાત્રિના આશરે 2 વાગ્યાના સમયે પોલીસને એક પ્લાસ્ટિકનું પારદર્શક બોક્સ સાંપડ્યું હતું. આથી પોલીસે આ બોક્સની તપાસ કરતા તેમાં રહેલો પદાર્થ ચરસ હોવાનું ખુલવા પામ્યું હતું.
એસઓજી ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં આ પ્લાસ્ટિકના પારદર્શક બોક્સમાં રહેલું 897 ગ્રામ ચરસ પોલીસે કબજે લીધું છે. આ ચરસની કિંમત 44,85,000 ગણવામાં આવી છે. જો કે આ સ્થળે પોલીસને કોઈ આરોપી મળી આવ્યો ન હતો. આ અંગેની પ્રાથમિક તપાસમાં કોઈ શખ્સ દ્વારા આ ચરસનો જથ્થો મંગાવી, અને પોલીસના ચેકિંગ દરમિયાન હેરાફેરી કરતા પકડાઈ જવાના બીકે ચરસનો આ જથ્થો દરિયામાં અથવા દરિયા કાંઠે બિનવારસુ હાલતમાં છોડી દેવામાં આવ્યો હતો.