Mysamachar.in-સુરેન્દ્રનગર
ગુજરાતમાં દારુ ઘૂસાડનાર તત્વો કોઈપણ રીતે અવનવી તરકીબો અજમાવી અને દારુ ઘુસાડી દે છે, એવામાં સુરેન્દ્રનગર પોલીસે પણ ચોખાની બોરીઓની આડમાં મોટો દારૂનો જથ્થો ઘૂસવાનો હોવાની માહિતી પરથી વોચ ગોઠવી અને દારૂનો મોટો જથ્થો બાતમી મુજબનો ઝડપી પાડ્યો છે.સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.ડી.ચૌધરી સહિતના પોલિસ સ્ટાફને અગાઉથી મળેલી બાતમીના આધારે પાટડી તાલુકાના કચોલીયા ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ પર LCB પોલિસ ટીમ ત્રાટકી હતી. જેમાં ચોખાના કટ્ટાની આડમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો.
આ દરોડોમાં 7186 વિદેશી દારૂની બોટલો, 564 બીયરના ટીન, ટ્રક, પીકઅપ ગાડી, ચોખા ભરેલા 650 કોથળા સહીત કુલ રૂપિયા 49,94,020નો મુદામાલ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે આ દરોડામાં ટ્રકનો ક્લીનર ઝડપાયો હતો. જ્યારે દારૂ મંગાવનારા બુટલેગરો સહીત ત્રણ શખ્સો ફરાર થઇ ગયા હતા.પોલિસ તપાસમાં આ વિદેશી દારૂનો જથ્થો પાટડીના બુટલેગર વસંત વાણીયાએ મંગાવ્યો હોવાની વિગતો બહાર આવી હતી. જ્યારે વિદેશી દારૂનો જથ્થો હરીયાણાથી મંગાવી કટીંગ કરી નાના વાહનો મારફત અન્ય જગ્યાએ મોકલવામાં આવતો હતો.પોલીસે ફરાર બુટલેગર તેમજ બન્ને વાહન ચાલકોને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે.