Mysamachar.in-જામનગર;
‘છોટી કાશી’ ગણાતા જામનગર શહેરમાં આવતીકાલે મંગળવારે મહાશિવરાત્રીના દિને શિવભક્તો દ્વારા ભક્તિ, પૂજન, આરાધનાની હેલી ચડશે. અને મહાશિવરાત્રીના પર્વની આસ્થાભેર ઉજવણી કરાશે. પરંતુ તેના પૂર્વદિને પણ શહેરના શિવાલયો ભક્તિભાવથી થનગનતા જોવા મળ્યા હતા. આજે સોમવારે બપોરના બારના ટકોરે શિવમંદિરો સામૂહિક ઘંટનાદથી ગૂંજી ઉઠ્યા હતા. મહાદેવ હર મિત્ર મંડળ અને હિન્દુ ઉત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે છેલ્લા ચાર દાયકાથી પ્રતિવર્ષ મહાશિવરાત્રીના દિવસે જામનગરમાં ભવ્યાતિભવ્ય શિવશોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
આ શિવરાત્રીના દિવસે 41 માં વર્ષે પણ શોભાયાત્રા યોજાનાર હોવાથી ૪૧મા વર્ષને કેન્દ્રમાં રાખી શહેરના 41 પ્રમુખ શિવાલયોમાં શિવરાત્રીના પૂર્વદિને ‘ઘંટનાદ’નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉલ્લાસભેર જોડાયા હતા.શિવ શોભાયાત્રાની સાથે જોડાનારા જુદા જુદા મંડળના શિવભક્તો દ્વારા સોમવારે બપોરે બારના ટકોરે પ્રત્યેક શિવાલયો માં સામુહિક ઘંટનાદ કરીને ભગવાન શિવજીને પ્રાર્થના અને દેવાલયોની નગરી, જેમાં ખાસ કરીને અનેક શિવાલયો આવેલા છે, ત્યારે શિવનગરી ઘંટનાનાદ થી ગુંજી ઉઠી હતી.