Mysamachar.in-ગુજરાત:
ભારતમાં વસતિ વિશાળ છે અને તેથી મોબાઈલ યુઝર્સની સંખ્યા પણ તોતિંગ છે. ટેરિફમાં સામાન્ય વધારો પણ ટેલિકોમ કંપનીઓને કરોડો કમાવી શકે ! વધુ એક વખત કંપનીઓ કરોડો કમાઈ લેવા ઇચ્છે છે, અને કંપનીઓ કારણ ખર્ચનું દેખાડી રહી છે. નિયંત્રક સંસ્થા TRAI સરકારી ઢબે આ વ્યવસાયનું નિયંત્રણ કરી રહી હોય, કંપનીઓને અનુકૂળતા છે !
મોબાઈલ ટેરિફમાં વધુ એક વખત ભાવવધારાની તૈયારીઓ ચાલી રહી છે ! કંપનીઓ કહે છે: ખર્ચ ઘણો છે. આઈડિયા જેવી કંપનીઓ દેણાનો ભાર અનુભવી રહી છે. ફાઈવ જી યુઝર્સ પર વ્યક્તિગત ભારણ વધારી શકવાની જગ્યા ન હોવાથી, ફોર જી યુઝર્સ પર બોજ મૂકવા અંગે કંપનીઓ વિચારી રહી છે !
વળી ટેલિકોમ કંપનીઓ એમ પણ કહે છે : ફાઈવ જી ટેકનોલોજી માટેનાં સ્પેક્ટ્રમ ખરીદવામાં કંપનીઓને કરોડો રૂપિયાનો બોજ આવ્યો છે. આ બોજ પણ અંતે તો, યુઝર્સ પર જ લાદવાનો હોય !! નિષ્ણાતો એમ પણ કહી રહ્યા છે કે, જો હાલ ભાવવધારો કરવામાં ન આવે અને 2024માં આ જાહેરાત થાય તો, વિપક્ષ સરકારને નિશાન પર લઈ શકે. કારણ કે, એ સમયે લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ ચાલી રહી હોય. આથી હવે પછીનાં ચાર-છ માસ ટેરિફમાં વધારા સંદર્ભે કંપનીઓને વધુ અનુકૂળ હોવાનું નિષ્ણાતો જણાવે છે. ટૂંકમાં, તૈયાર રહેવું – ટેરિફ વધારો સહન કરવા.







