Mysamachar.in-મહેસાણા
રાજ્યમાં લાંચને લઈને પોલીસ વિભાગ વધુ એક વખત બદનામ થયો છે, બે દિવસ પૂર્વે જ જામનગરનો પોલીસકર્મી દારૂનો કેસ ઢીલો કરવા ત્રેવીસ હજારની લાંચ લેતા ઝડપાયો ત્યાં જ વધુ એક પોલીસકર્મી પકડ વોરંટની બજવણી કરી આરોપીને ઝડપી પાડવા માટે 1000 રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં આવી ચુક્યો છે. વાત છે મહેસાણા જીલ્લાની જ્યાં એક નાગરિકે નામદાર કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ 138 મુજબ કેસ કર્યો હતો. જે કેસના કામે નામદાર કોર્ટ પકડ વોરંટ કાઢ્યું હતું. જે પકડ વોરંટની બજવણી કરી આરોપીને પકડવા માટે ફરિયાદીએ વિજાપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI કરણસિંહ મગનસિંહ ચૌહાણનો સંપર્ક કર્યો હતો.ત્યારે ASI કરણસિંહએ ફરિયાદી પાસે આ કામ કરવાની લાંચ માંગી હતી.
પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા નહોતા જેથી ફરિયાદીએ આ મામલે ACBના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી પોતાની ફરિયાદ નોંધાવી હતી.બાદમાં ફરિયાદની ફરિયાદ આધારે વિજાપુરના વંદના સિનેમાની પાછળ એસીબીએ છટકું ગોઠવી ફરિયાદીએ આરોપી એએસઆઈ સાથે વાતચીત કરી હતી જ્યાં ASI કરણસિંહ એ ફરિયાદી પાસે 1000 ની લાંચ માગી હતી અને પૈસા લેવા જતા એ સી બી ટીમે આરોપીને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.