Mysamachar.in:જામનગર
છેલ્લા કેટલાય સમયથી જામનગર જીલ્લા પંચાયતના ઇલેક્ટ્રિક શાખામાંથી કેટલીય ફાઈલો સહિતનો રેકોર્ડ ગુમ થવાનો મામલો સામે આવ્યા બાદ જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ દ્વારા બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેર કે.બી.છેયાને તપાસ સોંપવામાં આવતા તેમની તપાસમાં બાંધકામ વિભાગ હેઠળ આવતા ઇલેક્ટ્રિક શાખાનું રેકોર્ડ મોટાપાયે ગુમ થયાનું સામે આવતા જીલ્લા વિકાસ અધિકારીએ આ મામલે નાયબ કાર્યપાલક ઈજનેરને પોલીસ ફરિયાદ માટે અધિકૃત કરી ફરિયાદ કરવા હુકમ કર્યો હતો પણ સામાન્ય અરજદારની જેમ જ પંચાયતના અધિકારીઓને પણ પોલીસે ઉલટતપાસ કરી અને જાણવા જોગ લેવા વારંવાર જણાવ્યું હતું પણ અંતે આ ફરિયાદ કરવામાં જીલ્લા પંચાયતના અધિકારીને રાત્રીના સફળતા મળી છે,.!
અગાઉથી જેના પર શંકાની સોય હતી તે સસ્પેન્ડ કર્મચારી સામે જે ફરિયાદ નોંધાઈ તેની વિગતો એવી છે કે માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગમાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા જયવીરસિહ પ્રવીણસિહ ચુડાસમા જીલ્લા પંચાયત વતી ફરિયાદી બની હરિસિંહ પ્રતાપસિંહ ગોહિલ તેમજ તપાસમાં જે ખુલે તેની સામે ફરિયાદ નોંધાવી છે કે આ કેસમાં દર્શાવેલ આરોપી એવા પૂર્વ કર્મચારીએ જીલ્લા પંચાયત જામનગર કચેરીની ઇલેક્ટ્રીક શાખાની ઓફીસમાં ટ્રેકટર-ટ્રોલી સાથે લઇને આવી પોતાની પાસે રહેલ ચાવીથી ઓફીસ ખોલી તેમા રહેલ અંદાજે કુલ ફાઇલ નંગ-1582 તથા અંદાજે કુલ રજીસ્ટર નંગ-220 ફાઇલો/રજીસ્ટરોની ટ્રેક્ટરની ટ્રોલીમાં ભરી કોઇને જાણ કર્યા વગર ચોરી કરી ગયા છે આ મામલે અંતે ફરિયાદ નોંધાતા હવે સિટી એ ડીવીઝન પીએસઆઈ બી.એ.વાળા એ વધુ તપાસ હાથ ધરી છે.